પાકિસ્તાન બાદ તુર્કીની નાપાક હરકત, સિરિયાના આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલવાની તૈયારીઓ
દિલ્હીઃ ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનના ખાસ મિત્ર એવું તુર્કી અવાર-નવાર કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન કરે છે. પરંતુ હવે તૂર્કી તેનાથી બે સ્ટેપ આગળ નીકળ્યું છે. તુર્કી સિરિયાના આતંકવાદીઓને કાશ્મીરમાં મોકવાની તૈયારી કરી રહ્યું છે. આ પહેલા સિરિયાના ભાડે લીધેલા યોદ્ધાઓને લીબિયા અને અઝરબૈજાન મોકલ્યાં હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર તુર્કી સમર્થિત સુલેમાન શાહ બ્રિગેડ આતંકવાદી સંગઠનના પ્રમુખ અબુ ઇમશા છે. તેમજ સિરિયાઈ રાષ્ટ્રીય સેનાનો હિસ્સો પણ છે. ઇમશાએ તાજેતરમાં જ પોતાના સભ્યોને કહ્યું હતું કે, અંકારા ઈચ્છે છે કે કાશ્મીરમાં ભારતના વિરોધમાં આપણા છોકરાઓ મોકલીએ. તુર્કીના અધિકારીઓ બાદમાં અન્ય આતંકવાદી સંગઠનોના નેતાઓ પાસેથી કાશ્મીર જવા ઈચ્છતા લોકોની યાદી પણ મેળવશે. આમ તુર્કી સિરિયામાં યુદ્ધમાં સામેલ આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલવાની ફિરાકમાં છે.
કાશ્મીરમાં આતંકવાદીઓને મોકલવા માટે અજાજ, જારાબ્લસ, અલબાબ, અફરીન અને ઈદલિબ વિસ્તારમાં યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આતંકવાદીઓનું એક ગ્રુપ ચુપચાર કાશ્મીર મોકલવામાં આવશે. તેમજ કાશ્મીર જવા ઈચ્છતા આતંકવાદીઓને લગભગ બે હજાર ડોલર પણ આપવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય રાજનીતિના જાણકારોના કહેવા અનુસાર તુર્કી ઈસ્લામિક કટ્ટરતાને પણ વધારે મહત્વ આપી રહ્યું છે અને તેના કારણે કેટલાક દેશોમાં અશાંતિ ફેલાવવાનો ભય રહેલો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરને લઈને વર્ષોથી મતભેદ છે પરંતુ તુર્કીએ પણ તે સમજવુ જોઈએ કે તેણે વિશ્વની પાંચમી મોટી આર્થિક મહાસત્તા સાથે સંબંધ બગાડવા જોઈએ નહી.
આગળ વધારે ઉમેરતા જાણકારોએ જણાવ્યું કે હાલ ભારત અને ચીન વચ્ચે પણ સીમા વિવાદ ચાલી રહ્યો છે અને ભારતીય સેનાના જવાનો પર હૂમલો કરવાની ભૂલ અત્યારે ચીન ભોગવી રહ્યુ છે. જો ભારત ચીન જેવા દેશની સામે મજબૂત અને મક્કમતાથી ટક્કર આપી શકતુ હોય તો તુર્કીએ પોતાના દેશના હીત વિશે પહેલા વિચારવુ જોઈએ.