Site icon Revoi.in

તુર્કી-સિરિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક 46 હજારને પાર, 20 લાખથી વધારે લોકો બન્યા બેઘર

Social Share

નવી દિલ્હીઃ તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં હજુ મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે, અત્યાર સુધીમાં 46 હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. હજુ કાળમાટ નીચેથી લોકોથી લોકોને જીવીત કાઢવામાં આવી રહ્યાં છે. ભૂકંપમાં હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત કરી છે. બંને દેશોમાં ભૂકંપમાં 84 હજાર ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ છે એટલું જ નહીં 20 લાખથી વધારે લોકો ઘરવિહોણા બન્યાં છે અને હાલ રાહત કેમ્પમાં આશરો લઈ રહ્યાં છે.

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી બાદ દુનિયાભરના બચાવ કાર્યકર્તા રાહત કાર્યમાં લાગેલા છે. કાટમાળમાંથી સતત મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. બંને દેશોમાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે. એકલા તુર્કીમાં મૃત્યુઆંક 40,642 છે, જ્યારે પડોશી સીરિયામાં 5,800 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

તુર્કી અને સીરિયામાં આવેલા પ્રચંડ ભૂકંપને પગલે 84,000 થી વધુ ઈમારતો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અથવા તો પડી ગઈ છે. મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે. 20 લાખથી વધુ બેઘર લોકો તુર્કી અને સીરિયામાં આશ્રયસ્થાનોમાં રહે છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક એજન્સીઓ ઉપરાંત ભારત સહિત 70થી વધુ દેશો અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચલાવી રહ્યા છે.

રેસ્ક્યુ ઓપરેશનથી લઈને ઘાયલોની સારવાર સુધી ભારતીય સેના સતત બંને દેશોની મદદમાં લાગેલી છે. ભૂકંપના કારણે ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે, પરંતુ વિદ્રોહીઓએ આ વિસ્તારો પર કબજો જમાવ્યો હોવાને કારણે રાહત સામગ્રી પહોંચાડવામાં અડચણ આવી રહી છે.