Site icon Revoi.in

ટીવી એક્ટર કરણવીર બોહરાનો જન્મદિવસ, ફિલ્મોમાં પણ ભજવી છે મહત્વની ભૂમિકા

Social Share

મુંબઈ :ટીવી એક્ટર કરણવીર બોહરાનો આજે જન્મદિવસ છે. તે આજે 39 વર્ષનો થઇ ગયો છે. કરણવીર એક્ટર હોવા ઉપરાંત પ્રોડ્યુસર અને ડિઝાઇનર પણ છે. તેણે ટીવી તેમજ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને ફિલ્મો કરતાં ટીવીથી વધુ લોકપ્રિયતા મળી છે. તે ઘણા લોકપ્રિય ટીવી શોનો ભાગ રહ્યો છે. તેણે વર્ષ 2006 માં મોડેલ-વીજે તીજય સિદ્ધુ સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ બાળકો છે.

કરણવીર બોહરાનું વાસ્તવિક નામ મનોજ બોહરા છે. તેમનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તે મારવાડી પરિવારમાંથી આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, તેમના પિતા મહેન્દ્ર બોહરા ફિલ્મમેકર છે અને દાદા રામકુમાર બોહરા પણ એક્ટર-પ્રોડ્યુસર હતા. પ્રોડ્યુસર સુનીલ બોહરા તેમના પિતરાઇ છે.

કરણવીર બોહરાની અભિનય કારકિર્દી, તેમણે 1990 માં આવેલી ફિલ્મ ‘તેજા’માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. તેણે ‘જસ્ટ મોહબ્બતેં’ થી ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો. આ પછી, તેણે ‘CID’ અને ‘અચાનક 37 વર્ષ બાદ’ જેવા શોમાં સહાયક તરીકે કામ કર્યું. તેણે ટીવીના કોમેડી શો ‘શરારત’માં પ્રથમ વખત મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પછી તેમણે ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’, ‘કુસુમ’, ‘કસૌટી જિંદગી કી’, ‘દિલ સે દી દુઆ … સૌભાગ્યવતી ભવ’, ‘કુબુલ હૈ’, ‘નાગિન 2’ જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું.

કરણવીર બોહરાએ ‘નચ બલિયે 4’, ‘ઝલક દિખલા જા 6’, ‘ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 5’ અને ‘બિગ બોસ 12’ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. આ જુદા જુદા શોમાં તેણે પોતાની પ્રતિભાની એક ઝલક દર્શકોને બતાવી. આ સિવાય તેણે ‘કિસ્મત કનેક્શન’, ‘લવ યુ સોનિયે’, ‘મુંબઈ 125 કેએમ’, ‘પટેલ કી પંજાબી શાદી’ અને ‘હમ તુમસે પ્યાર કિતના’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું.

તેમણે વર્ષ 2020 માં આવેલી વેબ સિરીઝ ‘ધ કેસિનો’ અને ‘ભંવર’માં પણ કામ કર્યું હતું. ફિલ્મો અને ટીવીમાં અભિનય ઉપરાંત, કરણવીરે પંડિત વીરુ કૃષ્ણન પાસેથી બે વર્ષ સુધી કથક નૃત્ય પણ શીખ્યા છે. એટલું જ નહીં, કરણવીર બોહરાને ખુદની ક્લોથિંગ બ્રાન્ડ પણ છે.આ બ્રાન્ડનું નામ પેગાસસ છે. તે આ બ્રાન્ડનો માલિક છે.