Site icon Revoi.in

લવસ્ટોરીમાં ટ્વિટ્સઃ પાકિસ્તાની યુવાનના પ્રેમમાં પાગલ ભારતીય મહિલા પ્રેમીને પામવા બોર્ડર પહોંચી

Social Share

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી તણાવ ભર્યાં સંબંધો છે. જો કે, આ વચ્ચે ભારતીય પરિણીત મહિલા અને પાકિસ્તાની યુવાન વચ્ચે સોશિયલ મીડિયા મારફતે પાંગરેલા પ્રેમની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા પ્રેમીને પામવા માટે પતિ અને પાંચ વર્ષની દીકરીનો ત્યાગ કરીને પોતાની સાથે 25 તોલા સોનાના અને 60 ગ્રામ ચાંદીના દાગીના લઈને ઓડિશાથી પાકિસ્તાન જવા માટે બોર્ડર પહોંચી હતી. જો કે, પંજાબના ડેરા બાબા નાયક સ્થિત કરતારપુર કોરિડોર ખાતે બીએસએફના જવાનોએ ટકાવીને પોલીસની મદદથી પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. મહિલાની વાત સાંભળીને આર્મી અને પોલીસના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર ઓડિશાની 25 વર્ષિય યુવતીના 2015માં સમાજના રિતીરિવાજ સાથે એક યુવાન સાથે લગ્ન થયાં હતા. લગ્નજીવન દરમિયાન તેના ઘરે પાંચ વર્ષ પૂર્વે દીકરીનો જન્મ થયો  હતો. પરિવાર સુખી જીવન જીવતો હતો. બે વર્ષ પૂર્વે પરિણીતા પોતોના પીયર ગઈ હતી. જ્યાં તેણે પોતાના મોબાઈલ ફોનમાં અઝહર નામની ચેટીંગ એપ ડાઉનલોડ કરી હતી. તેમજ એપમાં ચેટીંગની શરૂઆત કરી હતી. ચેટીંગ દરમિયાન પરિણીતા પાકિસ્તાનના ઈસ્લામાબાદના એક યુવાનના સંપર્કમાં આવી હતી. તેમજ બંનેએ પોતોના મોબાઈલ ફોન નંબર અને વોટ્સએપ નંબરની આપ-લે કરી હતી. બંને રોજ સોશિયલ મીડિયા ઉપર ચેટીંગ કરતા-કરતા અંતે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

પાકિસ્તાની છોકરાએ યુવતીને ડેરા બાબા નાનકથી કોરિડોર થઈને પાકિસ્તાન પોતાની પાસે આવવા કહ્યું હતું. જેથી પરિણીતાએ પોતાના પરિવારનો ત્યાગ કરીને પ્રેમી સાથે રહેવા માટે પાકિસ્તાન જવાનું નક્કી કહ્યું હતું. 5મી એપ્રિલના રોજ પરિણીતા પોતાની સાથે 25 તોલા સોનાના દાગીના અને ચાંદીના દાગીના લઈને ઘરેથી નીકળી હતી. પરિણીતા ઓડિશાથી દિલ્હી, દિલ્હીથી અમૃતસર, અને અમૃતસરથી ડેરા બાબા નાનક પહોંચી હતી. બીજી તરફ સમગ્ર ઘટનાથી અજાણ પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરીને પરિણીતા ગુમ થવાની જાણ કરી હતી. પરિણીતા કરતારપુર કોરિડોર પહોંચી ત્યારે બીએસએફએ તેને અટકાવીને કહ્યું હતું કે આ સમયે પાકિસ્તાન જવું શક્ય નથી. કોરોનાના કારણે કોરિડોર બંધ છે અને પાકિસ્તાન મુસાફરી માટે વિઝા-પાસપોર્ટ જરૂરી પડે છે.

બીએસએફના જવાનોને શંકા જતા તેમને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ તેને ડેરા બાબા નાનક પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં મહિલાની પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. જે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. અંતે ઓડિશા પોલીસ મારફતે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જેથી મહિલાના પતિ અને પિતા તાત્કાલિક પંજાબ પહોંચ્યાં હતા. પોલીસે મહિલાની કસ્ટડી તેમને સોંપી હતી.