અમેરિકાના વયસ્કોમાં કોરોનાની રસીને લઈને ભય, 21 ટકા લોકોનો રસી લેવાનો ઈન્કાર
દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે ભારતમાં તેની રસીની ટ્રાયલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. જ્યારે અમેરિકા અને બ્રિટન સહિતના દેશમાં લોકોને કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે, મોટાભાગના અમેરિકન નાગરિકો કોરોનાની રસીને લઈને ભયભીત હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે. એટલું જ નહીં 21 ટકા લોકો કોઈ પણ પરિસ્થિતિમાં રસી માટે તૈયાર નહીં હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાની વર્જીનીયા કોમનવેલ્થ યુનિવર્સિટીએ સર્વે કર્યો હતો. જેના અભ્યાસમાં ચિંતાજનક સ્થિતીનો ખુલાસો થયો છે. 788 અમેરિકન વયસ્કો ઉપર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 53 ટકા લોકોએ અમેરિકન નિયામક કી પણ કોરોના રસીને કાયમી મંજૂરી અથવા લાયસન્સ નહીં આપે ત્યાં સુધી રસી લેવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં ૨૧ ટકાનો કોઇ પણ પરિસ્થિતીમાં રસી માટે તૈયાર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફાઇઝરની રસીને સૌથી પહેલા બ્રિટને ઉપયોગની મંજૂરી આપી હતી. ત્યાર બાદ બહેરીન, સાઉદી અરબ, કેનેડા અને અમેરિકન સરકારે પણ મંજૂરી આપી છે. તેમજ અમેરિકા સહિતના દેશોમાં રસીકરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.