નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા મારફતે લોકોની પ્રતિક્રિયા અને અનુભવ શેયર કરે છે. દરમિયાન કેટલાક વ્યક્તિઓ સોશિયલ મીડિયા મારફતે અપ્રચાર પણ કરતા હોય છે. ભારત સામે અપ્રચાર કરનારી ચેનલો અને સોશિયલ મીડિયા ગ્રુપ સામે કાર્યવાહી કરપવામાં આવી રહી છે. દરમિયાન 22 યુ-ટ્યુબ ચેનલને પ્રતિબંધિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેમાં ચાર પાકિસ્તાન બેસ્ડ યુ-ટ્યુબ ચેનલનો પણ સમાવેશ થાય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આઈબી મિનિસ્ટ્રી દ્વારા ભારતની સિક્યોરિટી, પબ્લિક ઓર્ડર અને વિદેશ સંબંધો અંગે દુષ્પ્રચાર કરનાર યુ-ટ્યુબ ચેનલ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં 18 ભારતીય ટ્યુબ-ચેનલનો સમાવેશ થાય છે. એઆરપી ન્યૂઝ, સરકારી બાબુ, ઓનલાઈન ખબર, ડીપી ન્યૂઝ, કિસાન તક, ભારત મૌસમ, દિનભરની ખબરે, ડીજી ગુરુકુલ જેવી ભારતીય ચેનલનો સમાવેશ થાય છે. આવી જ રીતે પાકિસ્તાનની દુનિયા મેરે આગે, ગુલામ નબી મદની, હકીકત ટીવી, હકીકત ટીવી 2.0 ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં ભારતના દુષ્પ્રચારને લઈને 3 ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટને પણ બ્લોક કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સિક્યોરિટી સહિતના મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર વધુ સાબદી બની છે. જેના પગલે અગાઉ સોશિયલ મીડિયા સામે એરસ્ટાઈક કરીને અનેક વેબસાઈટો ઉપર પ્રતિબંધ ફરમાવી હતી.