ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે ચાલતી ખેંચતાણ: કેટલીક મોટી હસ્તીઓના નામ આવ્યા સામે
દિલ્લીમાં ખેડૂત આંદોલન બાદ સોશિયલ મીડિયા પર કેટલાક ભડકાઉ વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા જેને લઈને ભારત સરકારે એક્શન લીધા છે. કેન્દ્ર સરકાર દ્વારા સોશ્યલ મીડીયા અને માઈક્રોબ્લોગીંગ એજન્સી ટ્વિટરને કેટલાક એકાઉન્ટસને બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી જેમાં કેટલાક નેતાઓના પણ નામ આવ્યા છે.
જેમના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમાં રાજ્યસભાના સભ્ય અને સમાજવાદી પાર્ટી નેતા સુખરામસિંહ યાદવ તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઘણા રાજકારણીઓ સામેલ છે.
હવે જો ભારતમાં ટ્વિટરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરનારા યુઝર્સ સુખરામના ટ્વિટર એકાઉન્ટ પર જવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો તેઓને એક સંદેશ મળી રહ્યો છે કે,”કાનૂની માંગના જવાબમાં ભારતમાં સાંસદ સુખરામના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.” જો કે,આ એકાઉન્ટ દેશની બહારથી એક્સેસ કરી શકાય છે.
આઇટી મંત્રાલયે ખેડુતોના વિરોધને ધ્યાનમાં રાખીને આશરે 1,435 એકાઉન્ટને બ્લોક કરવાની નોટિસ ફટકારી હોવા છતાં કંપનીને સૂચનાનું પાલન નહીં કરતા ચેતવણી આપી હતી. મંત્રાલયે ટ્વિટર પર સ્પષ્ટ કહ્યું હતું કે, જો ભારતમાં તેનું કાર્ય કાયદા મુજબ નહીં ચાલે તો તેને શિક્ષાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડશે.
સરકારી સુત્રોના જણાવ્યા મુજબ ટ્વિટરએ આઇટી મંત્રાલયના આદેશોનું પાલન કર્યું છે. અને જેના આધારે શંકા વ્યક્ત કરવામાં આવી હતી, તેના પર કાર્યવાહી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જે એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી છે અથવા સંપૂર્ણ રીતે બંધ કરાયા છે. તેમાં આમ આદમી પાર્ટીના નેતા આનંદ સિંહ, આદિલ ખાન આઈએનસી, અંજના ઓમ મોદી, ભારતી કિસાન યુનિ વગેરેનો સમાવેશ થાય છે. ખરેખર, આ એવા એકાઉન્ટસ છે, જે રાજકીય હસ્તીઓ, મીડિયા વ્યક્તિઓ અને અન્ય હસ્તીઓ અને સંગઠનોના નામે ચાલતા હતા.
સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર આગામી સમયમાં સરકાર અસામાજીક તત્વો વિરુદ્ધ અને દિલ્લીમાં હિંસા ભડકાવનાર વિરુદ્ધ વધારે કડક પગલા લઈ શકે છે અને વધારે કડક તપાસ હાથ ધરી શકે છે.
-દેવાંશી