- પૂરફાટ ઝડપે બાઈકચાલકે મહિલા અને તેના પૂત્રીને અડફેટે લીધા,
- અકસ્માત બાદ બાઈકચાલક ભાગી ગયો,
- સ્થાનિક લોકોએ દોડી આવી માતા-દીકરીને હોસ્પિટલ ખસેડ્યાં
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થતો જાય છે. જેમાં વધુ બે અકસ્માતના બનાવ બન્યા છે. પ્રથમ બનાવ શહેરના નિકોલના દાસ્તાન સર્કલથી ઓઢવ રિંગ રોડ જતા ક્રોસ રોડ કરતા મહિલા અને તેની દીકરીને પૂરફાટ ઝડપે બાઈકે અડફેટે લેતા મહિલા અને તેની દીકરી રોડ પર પટકાયા હતા. અને આ અકસ્માતને પગલે દોડી આવેલી લોકોએ બન્નેને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં મહિલાનું મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ બાઈકચાલક પલાયન થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે બીજો અકસ્માતનો બનાવમાં હાથીજણ-મહેમદાવાદ રોડ પર શ્રદ્ધા પાયોનિયરની સામેના રોડની સાઇડમાં ઓવરસ્પીડમાં આવેલા એક ટુવ્હીલરચાલકે 80 વર્ષીય સવિતાબહેન વાળા (ખેડા) અને 25 વર્ષીય સેજલબેન મકવાણા (જશોદાનગર)ને ટક્કર મારી હતી. આથી બંને રસ્તા પર પટકાતાં સારવાર માટે હોસ્પિટલ દાખલ ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન સવિતાબહેનનું મોત નીપજ્યું હતુ.
અકસ્માતના પ્રથમ બનાવની વિગતો એવી છે કે, શહેરના નિકોલમાં દાસ્તાન સર્કલથી ઓઢવ રિંગ રોડ ચાર રસ્તા તરફના રસ્તા પર રોડ ક્રોસ કરી રહેલી માતા અને પુત્રીને ટુવ્હીલરચાલકે ટક્કર મારી હતી. આથી બંનેને હોસ્પિટલ લઈ જવાયાં હતાં, જ્યાં માતાનું મોત નીપજ્યું હતું. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટુવ્હીલરચાલક સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નિકોલમાં રહેતાં 52 વર્ષીય રમીલાબેન પરમાર રવિવારે સવારે દીકરી સોનલબેન (ઉં. 29) સાથે સાળંગપુર હનુમાનજીના મંદિર ખાતે દર્શન કરવા માટે ગયાં હતાં. સાંજના સમયે તેઓ ત્યાંથી પરત આવ્યાં હતાં અને નિકોલ દાસ્તાન સર્કલથી ઓઢવ રિંગ રોડ ચાર રસ્તા જતાં આવાસ યોજના સામેના રિંગ રોડ પરથી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે સમયે ઓવરસ્પીડમાં આવેલા એક ટુવ્હીલરચાલકે બંનેને ટક્કર મારી હતી, જેથી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. અકસ્માત બાદ ટુવ્હીલરચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાવ્યાં હતાં. જ્યાં રમિલાબેનનું મોત નીપજ્યું હતું જ્યારે સોનલને પગ તથા કપાળના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતુ. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટુવ્હીલર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજો અકસ્માતનો બનાવ હાથીજણ-મહેમદાવાદ રોડ પર સર્જાયો હતો જેમાં હાથીજણ મહેમદાવાદ રોડ પર શ્રદ્ધા પાયોનિયરની સામેના રોડની સાઇડમાં ઓવરસ્પીડમાં આવેલા એક ટુવ્હીલરચાલકે 80 વર્ષીય સવિતાબહેન વાળા (ખેડા) અને 25 વર્ષીય સેજલબેન મકવાણા (જશોદાનગર)ને ટક્કર મારી હતી. આથી બંને રસ્તા પર પટકાતાં ઇજાગ્રસ્ત થયા હોવાથી સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન સવિતાબહેનનું મોત નીપજ્યુ હતુ. આ મામલે વિવેકાનંદનગર પોલીસે ફરાર ટુવ્હીલર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.