Site icon Revoi.in

બનાસકાંઠામાં અકસ્માતના બે બનાવ, દાતા હાઈવે પર હીટ એન્ડ રન, ઈકબાલગઢ નજીક ટ્રકે પલટી ખાધી

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં એક જ દિવસમાં વધુ બે અકસ્માતના બનાવો બન્યા હતા. પાલનપુર-દાંતા હાઈવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર બે યુવાનો ગંભીરરીતે ઘવાયા હતા. અકસ્માત બાદ કાર સાથે ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માતનો બીજો બનાવ ઈકબાલગઢ પાસે બન્યો હતો. જેમાં રાજસ્થાન તરફ જતાં ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગયો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહોતી પણ હાઈવે પરનો ટ્રાફિક જામ થયો હતો.

બનાસકાંઠામાં એક જ દિવસમાં અકસ્માતના બે બનાવો બન્યા હતા.  પાલનપુર દાંતા હાઈવે ઉપર હીટ એન્ડ રનની ઘટનામાં કારની અડફેટે બાઈક સવાર બે યુવાનોના ગંભીરરીતે ઘવાયા હતા.જ્યારે ઈકબાલગઢ હાઇવે પર ટ્રક ચાલક પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાધી હતી.

પાલનપુર દાંતા હાઈવે ઉપર બાઈક ઉપર સવાર બે ઈસમોને કાર ચાલકે ટક્કર મારતા બંને યુવાનોને નીચે પટકાયા હતા બંને ઈસમોને ગંભીર ઈજાઓ થતા 108 દ્વારા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી ઘટનામાં પાલનપુર આબુ હાઇવે ઉપર ઈકબાલગઢ નજીક વહેલી સવારે એક ટ્રક ચાલક અમદાવાદથી રાજસ્થાન કલરના ડબ્બાઓ લઈ જઈ રહ્યો હતો, જેમાં ઇકબાલગઢ નજીક આવતા જ ટ્રક ચાલકે  સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી હતી. ટ્રક પલટી મારવાના કારણે ટ્રકમાં રહેલા કલરના ડબ્બા રોડ ઉપર વીર વિખેર થઈ ગયા હતા. જેના કારણે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવના પગલે અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.