Site icon Revoi.in

બનાસકાંઠામાં અકસ્માતના બે બનાવ, ટ્રેલર બ્રિજ પરથી ખાબક્યું, ટ્રેકટર-રિક્ષા વચ્ચે અકસ્માત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ડીસા ઓવરબ્રિજ પરથી ટ્રેલર રેલિંગ તોડીને નીચે પટકાયું હતું. જોકે આ અકસ્માત સમયે સદનસીબે બ્રિજ નીચે લોકોની અવર-જવર ન હોવાથી જાનહાની ટળી હતી. જ્યારે અકસ્માતનો બીજો બનાવ અમીરગઢના ઈકબાલગઢ મહાદેવિયા પાસે ટ્રેકટર અને રિક્ષા વચ્ચે સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યુ હતું.

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર મુડેઠા ટોલટેક્સ બૂથ પાસે પૂરઝડપે પસાર થતું ટ્રેલર અચાનક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ ટ્રેલર ઓવરબ્રિજની રેલિંગ તોડી નીચે પટકાયું હતું.

ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડીથી આગળ જતા મુડેઠા ટોલનાકા પર પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલું કન્ટેનર ટ્રેલર અચાનક જ પલટી ખાઈ બ્રિજના છેડેથી નીચે પટકાયું હતું. ટ્રેલર પૂરપાટ પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક વળાંકમાં સામેથી રોંગ સાઈડમાં છકડો રિક્ષા આવી જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રેલર ડિવાઇડરની ગ્રીલ તોડી પલટી ખાઈ ગયું હતું. સદનસીબે સર્વિસ રોડ ઉપર અવરજવર ના હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે ડ્રાઇવરને પણ નાની-મોટી ઈજા થઈ હતી. આ બનાવ અંગે ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના બીજા બનાવની વિગત એવી જાણવા મળી છે. કે, અમીરગઢના ઇકબાલગઢ મહાદેવિયા પાસે ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માતમા એકનું મોત અને એક યુવક ઘાયલ થયો હતો. ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષા સવાર વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા ને સ્થાનિકોએ પોલીસ ને જાણ કરતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડી મૃતક પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.