સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અકસ્માતના જુદા જુદા બે બનાવો ન્યા હતા. જેમાં સાયલા-ચોટિલા હાઈવે પર ઈકો કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ લીંબડી-અમદાવાદ હાઈવે પર ચોરણિયા ગામ નજીક ઊભેલા ટેન્કર પાછળ આઈસર ટ્રક અથડાતા બન્ને ડ્રાઈવરોને ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્રીજા બનાવમાં પાટડીના માલવણના હાઈવે પર ચાલુ ટ્રકમાંથી 1.27 લાખ 6 એલઈડી ટીવી ચોરાયા હતા.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સાયલા ચોટીલા હાઈવે પરથી રાજકોટ ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈ હિતેન ટીલવા પોતાનું મોટર સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઈકો કારના ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા હિતેન ટીલવાનું મોત નિપજ્યું હતું. જ્યારે ઈકો કારનો ચાલક કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
બીજો અકસ્માતનો બનાવ લીંબડી અમદાવાદ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇસર ચાલકે ઉભેલા ટેન્કર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. લીંબડીના ચોરણીયા નજીક આ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતની ઘટનામાં બન્ને ડ્રાઇવરને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ પાટડીના માલવણ હાઈવે પર ચાલુ ટ્રકમાંથી ચોરીના બનાવ બન્યો હતો. કચ્છના અંજારમાં આવેલી મુસ્કાન ટ્રાન્સપોર્ટ કંપનીનો ડ્રાઈવર મિન્ટોસ રવિન્દ્ર યાદવ પોતાની ટ્રકમાં 55 ઇંચના ટીસીએલ કંપનીના 30 જેટલા એલઇડી ટીવી લઈને અંજારથી મુંબઈના ભીવંડી ખાતેની ઓફિસમાં જવા માટે નીકળ્યો હતો. ત્યારે પાટડીના માલવણ હાઈવે પર ટોલટેક્સ પાસેની એક હોટલ પાસે ટ્રક પાર્ક કરી હતી. ત્યારે ટ્રકમાંથી ટીસીએલ કંપનીના 55 ઇંચના રૂ. 21,270ની રકમનાં એક ટીવી મળી કુલ રૂ. 1,27,620ની કિંમતના 6 એલઇડી ટીવી ચોરાયાની જાણ થતા બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કર ગેંગને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.