Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવો, સાયલા અને લખતર પાસે ટ્રક અકસ્માત, એકનું મોત

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં લખતર અને કડુ વચ્ચે આઈસર ટ્રકે પલટી ખાધી હતી. જ્યારે બીજા બનાવમાં સાયલા હાઈવે પર દેવ કુકડા ગામ પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનું મોત નિપજ્યું હતું.

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મલી છે કે,  જિલ્લાના લખતર વિરમગામ હાઇવે પર લખતર કડુ વચ્ચે એક આઇસર ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જોકે, સદનસીબે મોટી જાનહાની ટળી હતી. આઈસર ટ્રક સાણંદ જીઆઇડીસી ખાતેથી કોલ્ડ્રિંકસ ભરીને જસદણ જઈ રહી હતી, ત્યારે હાઇવે પર આવેલા લખતર અને કડુ વચ્ચે પહોંચતા ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા આઈસર ટ્રક ગટરમાં જઈને ખાબકી હતી. જેમાં સદનસીબે કોઈ મોટી જાનહાની નહી થતા ડ્રાઈવરને સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

બીજા અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સાયલા હાઈવે નજીક આવેલા દેવ કુકડા ગામ પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામતા બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ભાર્ગવી સોસાયટી ખાતે રહેતા 27 વર્ષીય યુવાન કર્મદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા નામનો યુવાન ધ્રાંગધ્રા તરફ પોતાનું બાઈક લઈને આવતા હતા. તે દરમિયાન સાયલા હાઈવે નજીક આવેલા દેવ કુકડા ગામ પાસે ટ્રક સાથે અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાહદારીઓ દ્વારા અકસ્માતની સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા યુવાનના પરિવારજનોને જાણ કરી મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. આ તરફ પરિવારના યુવાન દીકરાનું અકસ્માતે મોત થવાથી શોકનું મોજુ ફરી વળ્યું છે.