Site icon Revoi.in

બનાસકાંઠામાં અકસ્માતના બે બનાવો, ટેન્કર અને ટ્રેલર તેમજ રિક્ષા-જીપ વચ્ચે અકસ્માત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતોના બનાવો બન્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ ચિત્રાસણી ગામ પાસે હાઈવે પર સર્જાયો હતો જેમાં દૂધનું ખાલી ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કરના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં દાંતા નજીક સર્જાયો હતો. વિદ્યાર્થીઓને લઈને જતી રિક્ષા સાથે જીપ અથડાતા ત્રણ વિદ્યાર્થીઓને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે,  ચિત્રાસણી નજીક દૂધના ખાલી ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરની ડ્રાઈવર કેબીનના ફૂરચા નીકળી ગયા હતા. ડ્રાઈવરને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે ટ્રાફિકજામ થતા પોલીસે અને એલએન્ડટીના કર્મચારીઓએ વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

રાજસ્થાનના જયપુર તરફથી ખાલી દૂધનું ટેન્કર પાલનપુર તરફ આવી રહ્યું હતું ચિત્રાસણી નજીક આગળ જઈ રહેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો બનાવના પગલે એલ એન્ડ ટીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ટેન્કર ચાલક કેબીનમાંથી બહાર કાઢી સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસને થતા પાલનપુર તાલુકા પોલીસ તત્કાલીક ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણે ટેન્કરની ડ્રાઈવર કેબીનના ફૂરચા નીકળી ગયા હતા.

જ્યારે બીજા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, અંબાજી દાંતા હાઇવે માર્ગ પર શાળાના બાળકો લઇ જતી રિક્ષાને અકસ્માત નડ્યો હતો. અંબાજીના દાંતા રોડ ઉપર આવેલા સ્વર્ગારોહણ પાસે આજે અકસ્માત સર્જાયો છે. જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. પાછળથી આવેલી જીપે રિક્ષાને ટક્કર મારતાં અકસ્માતની ઘટના સર્જાઈ હતી. સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષાને જીપે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતાં ત્રણ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને અંબાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્રણમાંથી એક વિદ્યાર્થીને માથાના ભાગે વધુ ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા જીપ ચાલક જીપ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.