- થ્રી લેગ બ્રિજ પર પીકઅપ વાન પાછળ રિક્ષા ઘૂસી ગઈ,
- બીજા અકસ્માતમાં અર્ટિંગા કાર ટ્રક સાથે અથડાઈ,
- અકસ્માતને લીધે ટ્રાફિક જામ થયો
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરના થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું ઉદઘાટન કરાયા બાદ પ્રથમ દિવસે અકસ્માતોના બે બનાવો બન્યા છે. જેમાં થ્રી લેગ બ્રિજ પર પ્રથમ અકસ્માત રિક્ષા અને પિકઅપ ડાલા સાથે સર્જાયો હતો, પૂરફાટ ઝડપે રિક્ષા પીકઅપ ડાલા પાછળ ઘૂંસી ગઈ હતી. આ અકસ્માતમાં બે જણાંને ઈજાઓ થઈ હતી. જ્યારે બ્રિજ પર બીજો અકસ્માતનો બનાવ અર્ટિંગા કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. પૂરફાટ ઝડપે અર્ટિંગા કાર ટ્રકમાં ઘૂંસી ગઈ હતી. આ બન્ને અકસ્માતોને લીધે બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
પાલનપુરમાં નેશનલ હાઈવે પર થ્રી લેગ બ્રિજનું ગઈકાલે જ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ કર્યાના પ્રથમ દિવસે આ બ્રિજ પર બે અકસ્માતોના બનાવો બન્યા હતા. પ્રથમ અકસ્માતની વિગત એવી છે કે, રાજસ્થાન તરફથી એક પિકઅપ ડાલુ બ્રિજ પર ચડતાં જ પાછળથી રિક્ષા પિકઅપ વાન પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં રિક્ષામાં બેઠેલા બે ઈસમને ઈજાઓ પહોંચી હતી.બનાવના પગલે લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં હતાં અને રિક્ષામાં સવાર ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે પોલીસે ઘટનાસ્થળ પર દોડી જઇ અકસ્માતના કારણે થયેલો ટ્રાફિક નિયંત્રણ કરાવ્યો હતો.
જ્યારે બીજા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, મોડીસાંજે બ્રિજ પર એક અર્ટિગા કાર ટ્રકમાં ઘૂસી ગઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં પણ કોઇ જાનહાનિ થઇ નથી, પરંતું કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું
રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો થ્રી લેગ બ્રિજ પાલનપુરમાં બન્યો છે. પાલનપુરના આરટીઓ સર્કલ પર બનાવવામાં આવેલા બ્રિજના કારણે સેંકડો વાહનચાલકોને ટ્રાફિક્માંથી મુક્તિ મળી છે.