અમદાવાદઃ ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કેટલાક શખ્સો બનાવી નોટો છાપીને બજારમાં ફરતી કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા આવા દેશ વિરોધીતત્વોને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજસ્થાનમાં એક વ્યક્તિ બોગસ લચણી નોટો સાથે ઝડપાયો હતો. તેની તપાસમાં ગુજરાતના દાહોદનું કનેકશન સામે આવ્યું હતું. રાજસ્થાન અને ગુજરાત પોલીસે આ પ્રકરણની ઉંડાણપૂર્વકની તપાસ કરતા દાહોદમાંથી બનાવટી નોટો છાપવાની મિની ફેકટરી પકડાતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે બે શખ્સોને ઝડપી લઈને રૂ. 6 લાખની બનાવટી ચલણી નોટો જપ્ત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન બોર્ડરના અથણીયા પોલીસ મથકની હદમાં આવેલી એક હોટલમાં પરમેશ્વર પાટીદાર નામની વ્યક્તિ જમવા ગઈ હતી. જમ્યા પછી હોટલ માલિકને બિલ પેટે રૂ. 400 આપ્યા હતા. હોટલ માલિકને નોટો જોતા તે નકલી જણાતા માલિકે અથણીયા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે નોટ આપનાર પરમેશ્વરને ઝડપી લીધો હતો. તેની વધુ પૂછપરછ કરતા આ નોટો ગુજરાતના દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામના ઇસમ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી રાજસ્થાન પોલીસે દાહોદ જીલ્લાના લીમડી પોલીસને જાણ કરી હતી.
લીમડી પોલીસે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત રીતે આંબા ગામે ધુણસીયા ફળિયામાં રેહતા વિક્રમ મુનીયાના ઘરે છાપો મારતા પોલીસને તેના ઘરેથી પ્રિન્ટર, પ્રિન્ટરના કાર્ટિસો અને રૂ. 6 લાખથી વધુની 2000, 500, 200 અને 100ની નકલી નોટો તેમજ નોટ સાઇઝના કરેલા કટિંગ પેપરોનું બોક્સ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યાં હતા. પોલીસે વિક્રમ મુનીયાને ઝડપી પાડયો હતો. એક શખ્સ પોલીસ રેડ જોઈને ભાગી જવામાં સફળ રહેલ તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.