ગુવાહાટી રેલવે સ્ટેશન પાસેથી અલકાયદાના બે આતંકવાદી ઝડપાયાં
નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આસામના ગુવાહાટી ખાતેથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા બે આતંકીઓને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધા હતા. આ બંને બાંગ્લાદેશી નાગરિક હોવાનું અને ગેરકાયદે રીતે ભારતમાં ઘુસી આવ્યાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં આ આતંકવાદીઓ યુવાનોને આતંકવાદી પ્રવૃતિઓ માટે પ્રોત્સાહિત કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આસામ પોલીસે ગુવાહાટી રેલવે સ્ટેશન પરથી બે શકમંદોની ધરપકડ કરી હતી. વાસ્તવમાં, આ બંને આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આ બંનેની ઓળખ અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT)ના 30 વર્ષીય બહાર મિયા અને 40 વર્ષીય વિરલ મિયા તરીકે થઈ છે. આ બંને આરોપીઓ બાંગ્લાદેશના રહેવાસી છે અને પાસપોર્ટ વગર ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા હતા. આસામમાં આતંકવાદી નેટવર્ક ફેલાવવા માટે ભારતીયો દસ્તાવેજો મેળવતા હતા.
એક અધિકારીએ કહ્યું કે તેઓ યુવાનોને આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે પ્રેરિત કરી રહ્યા હતા. તેણે વધુમાં કહ્યું, “આ બંને આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે આસામમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.” તેમની પાસેથી આધાર અને પાન કાર્ડ સહિત અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત તેમની સાથે જોડાયેલા અન્ય આતંકીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે.