ગાંધીનગરઃ રાજ્યમાં વધતી જતી મોંઘવારીની સાથે ભ્રષ્ટાચાર પણ વધી રહ્યો છે. પાટનગર ગાંધીનગરની સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં રૂ. 1.21 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા સ્ટેટ ઈજનેર નિપુણ ચોક્સીનાં રિમાન્ડ દરમિયાન તેનાં ગાંધીનગર વિવિધ બેંકોનાં લોકરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના મળી ને રૂ. 2.27 કરોડથી વધુની બેનામી સંપત્તિ જપ્ત કરી એસીબીની ટીમે સપાટો બોલાવી દીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાટણ જિલ્લાના સમી તાલુકાના બોયઝ હોસ્ટેલ તેમજ શંખેશ્વર તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના કામના બીલોની અવેજીમાં પેટા કોન્ટ્રાક્ટ પાસે 1 ટકા લેખે રૂ. 1.21 લાખની લાંચ લેતા ગાંધીનગર કચેરીમાં બેસતા સ્ટેટ ઈજનેર નિપુણ ચોકસીને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીના સકંજામાં ઝડપાયેલા સાહિત્યકાર એવા સ્ટેટ ઈજનેર નિપુણ ચોક્સીનાં ઘરની ઝડતી લેવામાં આવતા રૂ. 4 લાખ 12 હજાર 205 રોકડા પણ મળી આવ્યા હતા. જેનાં પગલે તેનાં કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી એસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ રિમાન્ડ દરમિયાનમાં જૂના સચિવાલય નાગરિક બેંકના તેના લોકરની ઝડતી લેવામાં આવતા વધુ રૂ. 74.50 લાખ રોકડા મળી આવ્યા હતા.એજ રીતે સેકટર-6માં આવેલી કોઓપરેટીવ બેન્ક ઘ-2 શાખા તેમજ અન્ય બે લોકરોમાં પણ સર્ચ કરવામાં આવતા રૂ. 1 કરોડ 52 લાખ 75 હજારની સંપત્તિ પણ મળી આવી છે. જ્યારે ગાંધીનગરની કેનેરા બેંકના લોકર માંથી રૂ. 10 લાખની કિંમતના સોનાના દાગીના મળી આવતાં હાલમાં તેની જીણવટપૂર્વક એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આમ ગાંધીનગર સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ ઈજનેર નિપુણ ચોકસી પાસેથી કુલ. 2 કરોડ 27 લાખ 25 હજારની સંપત્તિ જપ્ત કરી એસીબી દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો છે.