અમદાવાદમાં એક જ રાતમાં ATM તોડીને ચોરીનો પ્રયાસ કરવાના બે બનાવઃ આરોપીની ધરપકડ
અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ અને મણિનગર વિસ્તારમાં એક જ રાતમાં એટીએમ તોડીને ચોરીના પ્રયાસના બે બનાવ બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન પોલીસે વસ્ત્રાલ વિસ્તારના બનાવમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ મોજશોખ પુરા કરવા માટે એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત કરી હતી. જ્યારે મણિનગર વિસ્તારના બનાવમાં આરોપીને ઝડપી લેવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ખાનગી બેંકના એટીએમનું ડિજિટલ લોક તોડીને એક વ્યક્તિ ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન એટીએમમાં લગાવેલા સાયરન વાગતા આરોપી ફરાર થઈ ગયો હતો. દરમિયાન એ જ રાતના શહેરના મણિનગર વિસ્તારમાં પણ એટીએમ ચોરીનો પ્રયાસ થયો હતો. એક જ રાતમાં એટીએમ ચોરીના પ્રયાસના બે બનાવો બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
દરમિયાન વસ્ત્રાલ વિસ્તારમાં એટીએમ ચોરીના ગુનામાં યસ ઉર્ફે હની ચૌહાણ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી યુવકની પૂછપરછ કરતા માત્ર મોજશોખ ખાતર રૂપિયાની જરૂર હોવાથી અને એટીએમમાં મોટી માત્રામાં રૂપિયા મળશે તેવી અપેક્ષાથી ચોરી કરવાનો પ્રાયસ કર્યાની કબુલાત કરી હતી. જો કે, મણિનગરમાં એટીએમ ચોરીના પ્રયાસમાં પોતાની કોઈ સંડોવણી નહીં હોવાનું યુવાને જણાવ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધીને મણિનગરના ગુનામાં આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનારા આરોપી યસ ચૌહાણે પોલીસથી બચવા માટે સીસીટીવીના કેમેરા ફેરવી નાખ્યાં હતા.