ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠા, કોઝવે ડૂબ્યો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
અમદાવાદ: ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની સપાટી ભયજનક સ્તરની નજીક પહોંચી ગઈ છે. હાલમાં ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જેટલું દૂર છે. ઉકાઈ ડેમમાં હાલ પાણીનું લેવલ 341.12 ફૂટ છે, જ્યારે ડેમની ભયનજક સપાટી 345 ફૂટ છે. જેને પગલે ડેમના 22 પૈકી 10 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહેવા લાગી છે. જેને પગલે તકેદારીના ભાગરૂપે નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે. ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલો કોઝવે ડૂબી જતાં 10થી વધુ ગામોનો કડોદ, બારડોલી, સુરત સાથે સીધો સંપર્ક પણ કપાઈ ગયો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં સલામતી ભાગરૂપે ગત મોડી સાંજથી પાણી તાપીમાં છોડવાનું શરૂ કરાયું હતું. ઉકાઈ ડેમમાંથી હાલ 98 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ હાલમાં 340 ફૂટ સુધી ભરાઈ ગયો છે. જેથી ખેડૂતો સહિત તમામને રાહત થઈ છે. જોકે, ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તાપી નદીનું જળસ્તર વધતાં બારડોલી અને માંડવી તાલુકાને જોડતો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે 10 ગામોને અસર થઈ છે.ઉલ્લેખનીય છે કે, આ કોઝવે પાણીમાં ડૂબી જવાની સમસ્યા દર વર્ષે સર્જાય છે. આ કોઝવેને ઊંચો કરવા માટે અગાઉ ઘણી વખત રજૂ કરાઈ છે, પણ હજુ સુધી આ અંગે કોઈ કામગીરી હાથ ધરાઈ નથી.