પોરબંદરઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં હાઈવે પર રખડતા પશુઓને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં કૂતિયાણા હાઈવે પર આખલાંને લીધે બાઈકસવાર બે યુવાનોને જીવ ગુમાવવા પડ્યા હતા. કુતિયાણામા રહેતા બન્ને યુવાન મિત્ર રાણાકંડોરણા ખાતે દર્શન કરી બાઇક પર પરત ઘરે આવતા હતા તે વેળાએ બાઇક આડે આખલો ઉતરતા અથડાઈ જતા ગંભીર ઈંજા પહોંચતા બન્ને યુવાનના મોત નિપજ્યા હતા. કુતિયાણા ગામમાં આ બનાવને લઈને ભારે ગમગીની છવાઈ ગઈ છે. પોરબંદર જિલ્લામાં રખડતા આખલાનો ત્રાસ યથાવત છે. દરેક વિસ્તારમાં રઝળતા પશુ નજરે ચડે છે. હાઇવે પર પણ રખડતા આખલાને કારણે અવારનવાર અકસ્માતોના બનાવ બની રહ્યા છે.
પોરબંદર સહિત જિલ્લાના તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જેમાં જાહેર રોડ પર દોડતા આખલાંઓને કારણે ઘણી વાર અકસ્માકો સર્જાતા હોય છે. કે આખલાંને રાહદારીઓને પણ ઢીંચ મારીને પછાડતા હોય છે. આખલાને કારણે અનેક બાઇક ચાલકોને ગંભીર ઈંજાઓ પહોંચી છે, જ્યારે વધુ એક બનાવ બન્યો છે. જેમાં કુતિયાણા ગામે બહારપુરા વિસ્તારમાં રહેતા આનંદ દેવાભાઈ ખૂંટી નામનો 24 વર્ષીય યુવાન તથા તેના પાડોશમાં રહેતો મિત્ર રાજ કેશુભાઈ દાસા નામનો 24 વર્ષીય યુવાન રાણા કંડોરણા ગામે આવેલા લીરબાઇ માતાજીના મંદિરે દર્શન કરવાનું આયોજન કર્યું હતું.સાંજે આ બન્ને યુવાન મિત્રો રાણા કંડોરણા ગામે લીરબાઇ માતાજીના મંદિરે દર્શન કરવા બાઇક પર નિકળ્યા હતા અને મંદિરેથી દર્શન કરી આ બન્ને મિત્રો કુતિયાણા ખાતે પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે કુતિયાણા હાઇવે રોડ પર આવેલા આઈટીઆઈ સામે રોડ પાર પહોંચ્યા ત્યારે એકાએક બાઇક આડે આખલો વચ્ચે આવી જતા બાઇક અથડાયું હતું અને બન્ને યુવાનો રોડ પર ફંગોળાઈ જતા બન્નેને શરીરે ગંભીર ઈંજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફત પોરબંદરની ખાનગી હોસ્પિટલે ખસેડયા હતા જ્યા ફરજ પરના તબીબે બન્ને યુવાનને મૃત જાહેર કર્યા હતા.ત્યારબાદ બન્ને યુવાનને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી બન્ને મૃતદેહને પીએમ માટે ખસેડયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતનો ભોગ બનેલો આનંદ દેવાભાઈ ખૂંટી ઇલેક્ટ્રોનિક્સનો વેપારી હતો જ્યારે રાજ કેશુભાઈ દાસા ડેરી પ્રોડકટમા નોકરી કરતો હતો. આમ હાઇવે પર આખલો આડો ઉતરતા કુતિયાણા ગામના બન્ને પાડોશી યુવાન મિત્રોના મોત નિપજતા હતા. આનંદ અને રાજ બન્ને પાડોશી મિત્ર હતા. એકબીજા સુખ દુઃખના સાથી હતા. દર્શન કરીને બાઇક પર પરત ફરતી વેળાએ આખલો આડો આવતા બન્ને મિત્રોના મોત થતા રાત્રે 12 વાગ્યે બન્ને મિત્રોની અર્થી સાથે નીકળી હતી અને બન્નેના એક સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આનંદ તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો. તેની એક નાની બહેન છે. જ્યારે રાજ તેના પરિવારમાં બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. આમ આ અકસ્માતમાં બન્ને પરિવારની બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવી દેતા આ પરિવાર તથા કુતિયાણા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.