ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં હીટ એન્ડ રનનો વધુ એક બનાવ કલોલના પાનસર ચોકડી નજીક બન્યો હતો. જેમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને બાઈકને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતના ગંભીર રીતે ઘાયલ પાનસર ગામના બંને બાઈક સવાર યુવાનોના મોત નિપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવોની વિગતો એવી જાણવા મળી છે. કે, કલોલના પાનસર રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોને જીવ ગુમાવવો પડ્યો છે. કલોલનાં પાનસર ગામનો અમિતજી ગલાબજી ઠાકોરનો 20 વર્ષીય નાનો ભાઈ વિશાલ કલોલ ખાતે કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સોમવારના સાંજના સાડા સાતેક વાગે અમિત ગામમાં દૂધ ભરાવી ઘરે પહોંચ્યો હતો. એ વખતે નાના ભાઈ વિશાલ ઘરે હાજર નહોતો. આથી અમિતે તેની માતાને વિશાલ ક્યાં વિશે પૃચ્છા કરી હતી. ત્યારે માતાએ જણાવ્યું હતું કે વિશાલ મોટો ઠાકોર વાસમાં રહેતા તેના મિત્ર નીકુલ જશુજી ઠાકોર સાથે શુઝ ખરીદવા માટે ગયો છે. જેની થોડીવાર પછી અમિતે નાના ભાઈ વિશાલના મિત્ર નીકુલનાં મોબાઇલ ઉપર ફોન કર્યો હતો. એ વખતે કોઈ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડીને કહ્યું હતું કે, આ મોબાઈલ ધારકને ઓળા ચોકડીથી કલોલ પાનસર ચોકડી જવાના રોડ ઉપર અકસ્માત સર્જાયો છે. આ સાંભળીને અમિત સહિતના ગ્રામજનો અકસ્માત સ્થળે દોડી ગયા હતા.જ્યાં મોટી સંખ્યામાં રાહદારીઓની ભીડ એકઠી થયેલી હતી અને 108 એમ્બ્યુલન્સ પણ પડી હતી. નીકુલ રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં રોડ ઉપર પડ્યો હતો. જેને 108 એમ્બ્યુલન્સના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે વિશાલને કલોલ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હોવાનું જાણીને અમિત અને તેની માતા સિવિલ પહોંચી ગયા હતા. અને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક વોર્ડમાં પહોંચતા ફરજ પરના ડોક્ટરે વિશાલને પણ મૃત જાહેર કર્યો હતો.
આ બનાવના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો સિવિલ દોડી આવ્યા હતા. બાદમાં બંને મિત્રોનું પોસ્ટમોર્ટમ સહીતની કાનૂની કાર્યવાહી કરીને પોલીસે બંને મિત્રોની લાશનો કબ્જો પરિવારજનોને સોંપ્યો હતો. એકસાથે બે યુવાનોની લાશ ગામમાં પહોંચતા જ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.