રાજકોટઃ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. શહેરના કાલાવડ રોડ પર આણંદપર નજીક ગાર્ડી કોલેજ પાસે ટ્રક અને ભાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ત્રિપલ સવારી બાઈકને ટક્કર મારતા ત્રણેય બાઈકસવારો રોડ પર પટકાયા હતા. જેમાં બાઈકચાલક રોહિત અને હસમુખ મહેતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વિપુલ નામના યુવકને ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, રાજકોટના કાલાવડ રોડ પર મેટોડા GIDC ગેટ નં. 2માં રહેતા રોહિત રસીકભાઈ જાખેલીયા (ઉં.વ.25) રાત્રિના તેના મિત્ર હસમુખ મહેતા (ઉં.વ.45) અને વિપુલ જેન્તીભાઈ પંસારા (ઉં.વ.28) સાથે બાઇકમાં સવાર થઈ નિકાવા જમવા માટે ગયા હતા. હોટલ પર જમીને મેટોડા પરત ફરવા માટે નીકળ્યા હતા ત્યારે આણંદપર નજીક ગાર્ડી કોલેજ પાસે પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે અડફેટે લેતા ત્રણેય મિત્રો ફૂટબોલના દડાની માફક ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેમાં ત્રણેય મિત્રોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. રાત્રિના સમયે અકસ્માતથી રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. આથી લોધિકા પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક દૂર કરી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવારમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન રાજકોટ સિવિલે પહોંચે તે પહેલા રોહિત જાખેલીયા અને હસમુખભાઈ મહેતાએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો. આથી બન્નેના મૃતદેહને લોધિકા પોલીસે પોસ્ટ મોર્ટમ માટે પીએમ રૂમ ખસેડી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી હતી. જ્યારે ઈજાગ્રસ્ત વિપુલ પંસારાને સારવારમાં ખસેડાયો હતો.
મૃતક રોહિતના પરિવારજનોએ જણાવ્યું હતું કે, રોહિત ફ્રૂટ વેચવાનું કામ કરતો હતો અને 3 ભાઇમાં તે સૌથી નાનો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવી છે. ઈજાગ્રસ્ત વિપુલ પંસારા કારખાનામાં મજૂરી કામ કરે છે અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું સામે આવ્યું છે.