Site icon Revoi.in

મોરબીના વરસામેડી ગામે તળાવમાં નાહવા પડેલા બે બાળકો અને એક કિશોરનું ડૂબી જતાં મોત

Social Share

મોરબીઃ રાજ્યમાં ગરમીને લીધે લોકો નદી, તળાવો કે ડેમમાંનાહવા માટે જતાં ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં ભાવનગરમાં ડૂબી જતાં પાંચ પૈકી ચાર બાળકીઓના મોત નિપજ્યા હતા. જ્યારે મોરબીના વરસામેડી ગામે તળાવમાં નાહવા પડેલાં 4 બાળકો પૈકી બે બાળકો અને એક કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોતની નિપજતા નાના એવા ગામમાં ભારે શોકનો માહેલ સર્જાયો હતો.

આ બનાવની વિગતો એવી જાણવા મલી છે. કે, મોરબીના વરસામેડી ગામના તળાવમાં બુધવારે બપોરે લગભગ બે વાગ્યે ચાર બાળકો નાહવા ગયા હતા. જેમાંથી બે બાળકો અને એક કિશોર ડૂબી ગયા હતા. એક બાળકે ગામમાં આવી અને વાત કરતા ગ્રામજનો તળાવ નજીક દોડી ગયા હતા અને બચાવ કામગીરી કરી હતી, પરંતુ બાળકોને બચાવી શકાયા ન હતા. દરમિયાન આ બનાવની માહિતી મળતા પોલીસ, ફાયરબ્રિગેડના જવાનો તેમજ તાલુકાના અધિકારીઓ દોડી ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વરસામેડી ગામમાં રહેતો 12 વર્ષીય ગોપાલ ચાવડા તેમજ 10 વર્ષીય મેહુલ મહાલીયા અને 8 વર્ષીય શૈલેષ ચાવડા નામના ત્રણ બાળકો ગામના તળાવમાં નાહવા માટે ગયા હતા. જ્યાં નાહતી વખતે ડૂબી જતાં ત્રણેયના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. બાદમાં ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારી ઘટનાને પગલે ખોબા જેવડા વરસામેડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.