ભાવનગરઃ જિલ્લામાં વરસાદને લીધે નદી, નાળાં અને તળાવોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ બની રહ્યા છે. જિલ્લાના પાલિતાણા તાલુકાના નાના રાજસ્થળી ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે બાળકોના મોત નિપજતા નાના એવા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામના સીમ વિસ્તારમાં જાંબુ લેવા બે બાળકો ગયા હતા. જાબુ આરોગ્યા બાદ એક બાળક નજીકમાં પાણી ભરેલા ખાડામાં નહાવા પડ્યો હતો જે ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલો અન્ય બાળક પણ ડૂબ્યો હતો, ડુબી જતા બંને બાળકોના મોત નિપજ્યા હતા. બે બાળકોના મોતના કારણે નાની રાજસ્થળી ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામમાં ગઈકાલે સાંજના સમયે અરમાન અને મુસ્તફા નામના બે બાળકો જાંબુડાના વૃક્ષ પાસે જાંબુડા લઇ નજીકમાં પાણી ભરેલા ખાડામાં નાહવા પડ્યા બાદ ડૂબી જતા બંને બાળકના મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. આ બનાવની તપાસ કરતા એવું જાણવા મળ્યુ હતું કે, નાની રાજસ્થળી ગામની સીમમાં પાણી ભરેલા ખાડામાં ગત સમી સાંજે બાળકો જાંબુડાના ઝાડ નીચે જાંબુડા લીધા બાદ તળાવ નજીક આવેલા પાણી ભરેલા ઊંડા ખાડામાં નાહવા પડ્યા હતા, એક બાળક ડૂબવા લાગતા બીજો બાળક તેને બચાવવા અંદર પડતા બંને બાળકો ડૂબી જતાં મોત નિપજ્યા હતા, જેમાં બંને બાળકો નાની રાજસ્થળી ગામના અરમાન કરીમભાઈ બેલીમ ઉં.વ.10 તથા મુસ્તુફા હનીફભાઈ બેલીમ ઉં.વ.9 ના મોત નિપજ્યા હતા, ઘટનાની જાણ થતા ગ્રામજનો તળાવ કાંઠે દોડી આવ્યા હતા, એક સાથે બે બાળકો ડૂબી જવાથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને નાના એવા ગામમાં શોકની લાગણી જન્મી હતી.