- અમદાવાદના ઓઢવનો પરિવાર યુપી જવા માટે નીકળ્યો હતો,
- SP રિંગ રોડ દાસ્તાન સર્કલથી રણાસણથી આગળ જતાં અકસ્માત સર્જાયો,
- ટ્રેલરને પાછળ લાઈટ નહોતી અને રોડ પર પાર્ક કર્યું હતુ.
અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. સૌથી વધુ અકસ્માતોના બનાવો વાહનચાલકોની બેદરકારીથી થતાં હોય છે. ત્યારે એસપી રિંગ રોડથી આગળ દાસ્તન સર્કલથી રણાસણથી દહેગામ સર્કલ બ્રિજ પર રોડ સાઈડ પર પાર્ક કરેલા ટ્રેલર ટ્રક પાછળ પૂર ઝડપે કાર ઘૂંસી જતાં કારમાં પ્રવાસ કરી રહેલા બે બાલખોના મોત નિપજ્યા હતા. જ્યારે બે મહિલાઓને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અકસ્માતનો બનાવ રાતના સમયે સર્જાયો હતો, ઓઢવનો પરિવાર યુપીમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. ત્યારે દહેગામ સર્કલ નજીક રોડ પર પાર્ક કરેલા કન્ટેનરને પાછળ પાર્કિંગ લાઈટ ચાલુ નહોતી. તેથી પૂર ઝડપે કારચાલકને ટેન્કર ન દેખાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ઓઢવનો પરિવાર ઉત્તરપ્રદેશ લગ્નમાં જવા કાર લઈને નીકળ્યો હતો ત્યારે દહેગામ સર્કલ બ્રિજ પર એક ટ્રેલર ટ્રકમાં કાર ઘૂસી જતાં બે બાળકનાં મોત થયાં હતાં, જ્યારે બે મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. ઓઢવમાં રહેતા વિષ્ણુભાઈ ( ઉ.વ. 33) પત્ની અને ત્રણ પુત્ર સાથે રહે છે અને વર્ક શેડ ધરાવી વાલ્વનો વેપાર કરે છે. ઉત્તરપ્રદેશ ખાતે સંબંધીના લગ્ન હોવાથી રાતના સમયે વિષ્ણુભાઈ, પત્ની સુનૈના, પુત્ર વિહાન (ઉં.વ. 12), ધ્રુવ (ઉં.વ. 13), યુવાશ (ઉં.8 માસ), કાકાનો દીકરા અભિષેક (ઉં.વ. 20) અને પાડોશી સાથે કાર લઈ નીકળ્યા બાદ નરોડા એસપી રિંગરોડ દાસ્તાન સર્કલથી રણાસણથી દહેગામ સર્કલ બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે એક ટ્રેલર ટ્રક પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના કે આડાશમાં બેરિકેટિંગ મૂક્યા વિના રસ્તા વચ્ચે ઊભું હતું. વિષ્ણુભાઈને ટ્રક ટ્રેલર દેખાતા જ તેમણે કારને બ્રેક મારી બાજુમાં લીધી, તે સમયે કારનો પાછળનો ભાગ ટ્રેલર ટ્રક સાથે અથડાતા કાર દીવાલ સાથે અથડાઈને રસ્તા પર આવી ગઈ હતી. અકસ્માતમાં પુત્ર ધ્રુવ તથા કાકાના દીકરા અભિષેકનું મૃત્યુ થયું હતું, જ્યારે પત્ની અને પાડોશી રેખાબેનને સામાન્ય ઈજા પહોંચતાં આસપાસના લોકોએ ભેગાં થઇ બંને ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ મોકલી હતી. જ્યારે ટ્રેલરચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.