ગાંધીધામમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ખોદેલાં ખાડામાં વોચમેનના બે બાળકોના ડુબી જતાં મોત
ગાંધીધામઃ શહેરમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ખોદેલા ઊંડા ખાડામાં વરસાદને લીધે પાણી ભરાયું હતું. દરમિયાન કન્સ્ટ્રક્શન સાઈટ પર રહેતા વોચમેનના બે બાળકો રમતા રમતા પાણી ભરેલા ખાડાંમાં પડી જતાં ડૂબી જવાથી બન્ને બાળકોના મોત નિપજ્યા હતા.
ગાંધીધામ શહેરના અપનાનગરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ખોદેલા ખાડામાં પડી જવાથી બે બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. અપનાનગર ખાતે કન્ટ્રકશનનું કામ ચાલતું હોવાથી અહીં ખોદવામાં આવેલા ખાડામાં વોચમેનના બે બાળકો રમતા રમતા તેમાં પડી ગયા હતા. જેથી બંન્ને બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના અપનાનગર ખાતે કન્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે, જ્યાં ચોકીદારનું કામ કરતા શ્રમજીવીના બાળકો સાંજે ગુમ થયા હતાં. જેની શોધખોળ કરવામાં આવી હતી તે દરમિયાન કન્ટ્રકશન સાઈટ ઉપર જ ખોદવામાં આવેલા ખાડામાં આ બંન્ને બાળકો ડૂબ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ કન્સટ્રકશન સાઈટ ઉપર ચોકીદારીનું કામ કરતા ચોકીદારના બે બાળકો સુનિલ રાહુલ પટેલ (ઉ.વ.8) અને પૃથ્વી રાહુલ પટેલ (ઉ.વ.5) સાંજના 4 વાગ્યાના અરસાથી ગુમ હતા. પરિવાર દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ચાલતી કન્સ્ટ્રકશન સાઈટ બાજુના ખાડામાં તપાસ કરવામાં આવતા બંને બાળકો મળી આવ્યા હતા. જેને આદિપુરની રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે