Site icon Revoi.in

ધ્રોળમાં વણકર સમાજના બંધ છાત્રાલયની દીવાલ પડતા બે બાળકો દટાયા, એકનું મોત

Social Share

જામનગરઃ જિલ્લાના ધ્રોલમાં આવેલા વણકર સમાજના બંધ છાત્રાલયની જર્જરિત દીવાલ ધરાશાયી થતા ચાર બાળકો દટાયા હતા, જેમાં એક બાળકનું મોત થયું છે. જ્યારે એક બાળકીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. છાત્રાલયની 50 વર્ષ જૂની ઈમારતનો ઉપયોગ 2008માં બંધ કરવામાં આવ્યો હતો. બિનઉપયોગી ઈમારત નજીક શ્રમજીવી પરિવારે ઝૂંપડા બાંધીને રહેતા હતા. શ્રમજીવી પરિવારના બાળકો સોમવારે સાંજના સમયે  રમી રહ્યા હતા ત્યારે જ ધડાકાભારે દીવાલ તૂટી પડી હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ધ્રોલમાં નૂરી હાઈસ્કૂલની સામે વણકર સમાજનું છાત્રાલય આવેલું છે. છાત્રાલયનું બિલ્ડીંગ જર્જરિત બન્યું હોવાના કારણે ઈમારતનો ઉપયોગ 2008માં જ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ જર્જરિત ઈમારતની નજીકમાં શ્રમજીવી પરિવારો ઝૂંપડા બાંધીને રહે છે. તેઓના બે બાળકો સાંજના સમયે અહીં રમી રહ્યા હતા ત્યારે દીવાલ તૂટી પડતા બંને કાટમાળમાં દટાયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલીક જેસીબીની મદદથી કાટમાળ ખસેડી બાળકનો બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ગોપાલનું મોત થયું છે. જ્યારે આરોહીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

સૂત્રોના કહેવા મુજબ ધ્રોલમાં વણકર સમાજના છાત્રાલયની જે ઈમારત ધરાશાયી થઈ હતી. તે ઈમારત 50 વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું છે. ઈમારત જર્જરિત થતા 2008માં જ તેનો વપરાશ બંધ કરી દેવામાં આવ્યો હતો. સમાજ કલ્યાણ વિભાગમાં આવતા આ છાત્રાલયની ઈમારતના પુનઃ નિર્માણ માટે પણ ભૂતકાળમાં રજૂઆત કરવામાં આવી હતી. જો કે, પુનઃનિર્માણ તો દૂર જોખમી બિલ્ડિંગને દૂર પણ ન કરાતા આ દુર્ઘટના ઘટી હતી. આ મામલે પોલીસે હાલ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.