Site icon Revoi.in

કચ્છના માંડવીમાં ઢોર ચરાવવા ગયેલા બે બાળકોના તળાવડીમાં ડૂબી જતા મોત

Social Share

ભૂજઃ  કચ્છના માંડવીમાં બે માસૂમ બાળકો તલાવડીમાં ડૂબી જતાં બન્નેના મોત નિપજ્યા હતા. મારવાડા પરિવારના બે બાળકો ઢોર ચરાવવા ગયા હતા. ત્યારે  તળાવડીમાં નહાવા પડતા ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું, આ બનાવની જાણ થતાં મૃતક બાળકોના પિતા પણ બેહોશ થયા હતા.

માંડવી શહેરના ન્યૂ મારવાડા વાસમાં રહેતા બે બાળકો 12 વર્ષીય હીરજી મારવાડા તથા 10 વર્ષીય ઓકેશ મનજી મારવાડા ઢોર ચરાવવા માટે માંડવી-નલિયા રોડ પર આવેલા રોયલ વિલા બાજુ ગયા હતા. જોકે, ત્યાં આવેલી તલાવડીમાં બંને બાળકોના ડૂબી જવાથી મોત થતાં સમગ્ર પરિવાર અને ગામમાં ગમગીની છવાઈ હતી. બાળકો ડૂબ્યાના સમાચારથી 10 વર્ષીય મૃતક ઓકેશના પિતા મનજીભાઈ પણ બેહોશ થઈ ગયા હતા.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ બાળકો ઢોર ચરાવવા માટે ગયા હતા. મોડેથી ઢોર રાબેતા મુજબ પાછા આવી ગયા હતા, પરંતુ બાળકો પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. ભેંસો જે રસ્તે જતી હોય એ જગ્યાએ તપાસ કરતા તળાવ પાસે બંને બાળકોના ચપ્પલ મળી આવ્યા હતા. આથી આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને સ્થાનિક તરવૈયાઓ પણ બાળકોને શોધવા માટે તળાવમાં કુદી પડ્યા હતા. બાળકોના મૃતદેહ મળતા પરિવારજનો હતપ્રભ થયા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. (પ્રતિકાત્મક તસવીર)