દિલ્હી-હિમાચલ પ્રદેશમાંથી ચીનની બે મહિલા જાસુસ ઝડપાઈ, ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ચીનથી આયાત થતી વસ્તુઓ ઉપર ટેક્સ વધારવા સહિતની આકરી કાર્યવાહી કરી છે. દરમિયાન દિલ્હી અને હિમાચલ પ્રદેશમાંથી ચીનની બે મહિલા જાસુસ ઝડપાયા હોવાનું જાણવા મળે છે. સૂરક્ષા એજન્સીઓએ બંનેની આગવી ઢબે પૂછપરછ આરંભી છે, તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાંથી સુરક્ષા એજન્સીઓએ ચીનની એક મહિલા જાસુસને ઝડપી લીધી હતી. ચીની મૂળની આ મહિલા જાસુસ હિમાયલ પ્રદેશની ધર્માશાલામાં લાંબા સમયથી રહેતી હતી. મહિલા જાસૂસનો દાવો છે કે, તે બૌદ્ધ ધર્મની શિક્ષા માટે ભારત આવી હતી. દરમિયાન મહિલા દિલ્હી થઈને કાઠમાંડૂ જવાની ફિરાકમાં હતી. તે પહેલા તેને ઝડપી લેવામાં આવી હતી. તેની પાસેથી મળેલા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને ફોરેંસિક તપાસ માટે મોકલાવામાં આવ્યા છે.
આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાંથી પણ એક મહિલા જાસુસને ઝડપી લેવામાં આવી હતી. તેણે પણ એવો જ દાવો કર્યો કે તે બૌદ્ધ ધર્મની શિક્ષા માટે ભારત આવી છે. આ મહિલા સપ્ટેમ્બરમાં ચૌતારાના પ્રખ્યાત જોંગસર મઠ તિબેટીયન મઠમાં પૂજાના બહાને આવી હતી. લગભગ 24 દિવસ સુધી તેણે ચૌંતરામાં પડાવ નાખ્યો હતો. પોલીસે તેની પાસેથી 6.50 લાખની કિંમતની ભારતીય ચલણ અને 1.10 લાખની કિંમતની નેપાળી ચલણ અને 2 મોબાઈલ ફોન સહિત અનેક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા હતો.
બન્ને ચીની મહિલા જાસૂસનો ટાર્ગેટ ભારતમાં રહેતા તિબેટીયન નાગરિકો હતા. તેમનું મુખ્ય કામ હતુ, ખોટા પ્રચાર કે પૈસાના આધારે ચીનની તરફેણમાં તેમનું બ્રેઈનવોશ કરવુ. આ બન્ને ચીની મહિલા જાસૂસ દ્વારા દલાઈ લામાના ઉત્તરાધિકારીની નિયુક્તિ પહેલા ભારતના બૌદ્ધ મઠોમાં ચીનની તરફેણમાં પ્રચાર કરાતો હતો. ચીન નવા દલાઈ લામાની નિયુક્તિમાં પોતે દખલ કરવા માંગે છે. ચીન ઈચ્છે છે કે આગામી દલાઈ લામા ચીનનો જ હોય.