રાજકોટ: શહેરના કોંગ્રેસના બે કોર્પોરેટર પક્ષ પલટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેની સામે પક્ષાંતર કાયદા મુજબ પગલાં લઈને બન્ને કોર્પોરેટરોને ગેરલાયક ગણવા કોંગ્રેસે વિકાસ કમિશનરને રિટ કરી હતી. વિકાસ કમિશનરે હિયરિંગ બાદ બન્ને કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોંગ્રેસના વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાય ડીસ્કોલીફાઈ થયા છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કર્યા બાદ બન્ને નેતાઓ બહુમતી સાબિત કરી શક્યા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટર અને મ્યુનિના વિપક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઈને કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ગેર લાયક ઠેરવવા માટે શહેરી વિકાસ વિભાગમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય કક્ષાએ કે રાજય કક્ષાએ પક્ષમાંથી ભાગલા પડી 1/3 ગૃપ અલગ પડેલ ન હોય અને સામાવાળા એટલે કે વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ માત્ર પોતાના બચાવમાં મૂળ રાજકીય પક્ષમાં ભંગાણ થયેલ હોવાનુ અને 1/3 સભ્યો અલગ થયેલ હોવાનો બચાવ કર્યો હતો. પરંતુ તે પુરાવા આધારે પુરવાર કરેલ ન હોય તેવા સંજોગોમાં પક્ષાંતર ધારાની કલમ ૩(૧)(ક) મુજબ સામાવાળા એટલે કે વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ પોતાનો મૂળ રાજકીય પક્ષનું સભ્યપદ આમ આદમી પાર્ટીમાં જોડાઈને સ્વૈચ્છાએ છોડી દીધેલ હોય તેમ સ્પષ્ટપણે ફલિત થાય છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેરી વિકાસના ઓર્ડર સામે સ્ટે લેવા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇ હાઇકોર્ટના દ્વારા ખટખટાવશે. શહેરી વિકાસના ઓર્ડર પર સ્ટે ના મળે તો પેટા ચૂંટણીના પડઘમ વાગવાનું શરુ થશે. હાલ પૂરતું મનપા દ્વારા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવામાં આવશે. પેટા ચૂંટણી માટે મનપા કમિશનર દ્વારા સરકારમાં દરખાસ્ત મોકલવી જરૂરી. પરંતુ હાલ અરજદારો દ્વારા કાયદાકીય પ્રક્રિયા ચલાવવામાં આવનાર હોઈ તેથી પરિણામ આવ્યા બાદ મનપા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.