Site icon Revoi.in

વડોદરા નેશનલ હાઈવે પર પૂરફાટ ઝડપે બોલેરો જીપે બાઈકને અડફેટે લેતા બે પિત્તરાઈ ભાઈના મોત

Social Share

વડોદરાઃ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર પૂર ઝડપે અને બેફકીરાઈથી ચલાવાતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વડોદરા નજીક નેશનલ હાઈવે પર બોલેરો પીકઅપ વાને બાઈકને અડફેટે લેતા બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વડોદરા શહેરની બાયપાસ નેશનલ હાઈવે ઉપર L&T નોલેજ સિટી પાસે બોલેરો પીકઅપવાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે અને ગફલતરીતે બોલેરો પીકઅપવાને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર ત્રણ યુવાનો રોડ પર પટકાયા હતા. જેમાં બાઈકસવાર બે પિતરાઇ ભાઈઓના સ્થળ ઉપર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે હાઈવે ઉપર ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બોલેરો પીકઅપવાનનો ચાલક અકસ્માત બાદ નાસી ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરના સોમા તળાવ પાસે રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા બે પિતરાઈ ભાઈઓ રોહિત વર્મા અને શ્રવણ વર્મા તેમજ કરણ બાઈક ઉપર L&T નોલેજ સિટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બોલેરો પીકઅપ વાને બાઈકને અડફેટમાં લીધું હતું. જેમાં બે પિતરાઇ ભાઇઓ રાકેશ વર્મા અને શ્રવણ વર્માના સ્થળ ઉપર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.અકસ્માતને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાતા કપૂરાઇ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને હાઇવે પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન મૃતકોના પરિવારજનોને બનાવની જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં. અકસ્માત કરનારી પીકઅપ વાન નંબર પ્લેટ વિનાની છે. પોલીસે અકસ્માતના મામલે કાર્યવાહી શરૂ કરીને વાનચાલકની શોધખોળ શરૂ કરી હતી. આ બનાવ અંગે કપુરાઇ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર બાદ હવે હાઇવે પર બેફામ વાહન હંકારતા ચાલકે બે લોકોનો ભોગ લીધો છે. જે રીતે શહેરમાં ઓવરસ્પીડિંગ રોકવા માટે પોલીસ સ્પીડ ગન લઇ રસ્તા પર દંડ ફટકારતી હોય છે, તેજ રીતે હાઇવે પર ઓવર સ્પીડિંગ કરતા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવા માટે કેમેરાની સાથે ઇન્ટરસેપ્ટર વાહનોની સુવિધા પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. પરંતુ હાઇવે ટ્રાફિક પોલીસની આ ગાડીઓ શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહી છે. જેના કારણે આજે નેશનલ હાઇવે પર બે પિતરાઇ ભાઇઓ અકસ્માતનો ભોગ બન્યા છે.