- રાજ્યમાં ગરમ પવન ફુંકાશે
- દરિયાકાંઠા વિસ્તારના તાપમાનમાં થશે વધારો
- બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળે છે
અમદાવાદઃ ગુજરાતમાં માર્ચના આરંભ સાથે જ ઉનાળાનો પ્રારંભ થઈ ગયો હતો. હવે રાજ્યમાં બપોરોના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ સહિત 11 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે.
ગુજરાતમાં હવે ઉનાળાની કાલઝાળ ગરમી પડી રહી છે. સવારના 10 કલાક પછી જ લોકો ગરમીનો અનુભવ કરે છે. જ્યારે બપોરના સમયે આકરી ગરમી પડતી હોવાથી લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે અને પંખા તથા એસી સામે બેસી રહેવાનું પસંદ કરે છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી આપી છે. આગામી દિવસોમાં કાળઝાળ તાપ સાથે ગરમ પવન ફૂંકાશે, સાથે દરિયા કિનારા વિસ્તારનું તાપમાન પણ વધશે તેવી આગાહી કરી છે.
ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને 41 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. હજુ રાજ્યમાં ગરમી પડવાની શકયતા છે. ગુજરાતમાં આગ ઓકતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. બપોરના સમયે આકાશમાંથી આકરી ગરમી પડતી હોવાથી રસ્તા સુમસામ બની જાય છે.