Site icon Revoi.in

વિંછિયા-ધંધુકા હાઈવે પર કૂંભારીયા ગામ પાસે પીકઅપવાન પલટી જતાં બેનાં મોત, 25ને ઈજા

Social Share

બોટાદઃ  ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલટી ખાતાં પિતા-પૂત્રીના મોત નિપજ્યા હતા. જ્યારે 25 જેટલા પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પીકઅપવાનમાં શ્રમિકો ધંધૂકા તરફ જઈ રહ્યા હતા. ત્યારે કુંભારા ગામ નજીક આ બનાવ બન્યો હતો.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, ગુરૂવારે મોડી રાત્રે વીંછિયાથી શ્રમિકો ભરેલી પિકઅપ વાન ધંધૂકા તરફ જઈ રહી હતી. ત્યારે બોટાદના કુંભારા ગામ નજીક ખોડિયાર મંદિરના બોર્ડ પાસે પહોંચતાં પિકઅપ વાન પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 25  ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો, જેમાં કેટલાક શ્રમિકો ગંભીર રીતે ઘવાતાં અમદાવાદ અને ભાવનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા છે. આ અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ બોટાદ જિલ્લાના કુંભારા ગામ નજીક પીકઅપ વાનના ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકવાન પલટી ખાઈ ગઈ હતી, જેમાં પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતમાં 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે હાઈવે પરથી પસાર થતાં વાહચાલકો સહિતનાએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.