Site icon Revoi.in

નવસારી નજીક પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે કારને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત

Social Share

નવસારીઃ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતોનું પ્રમામ વધતું જાય છે. નવસારીથી કામરેજ જતા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં જણાના મોત નીપજ્યાં હતાં, જ્યારે 5 લોકોને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોઈ કારણસર ઇકો કાર ખડસુપા પાસે બંધ પડી ગઇ હતી અને એ દરમિયાન એક ટ્રકે પાછળથી ટક્કર મારતાં કાર હવામાં ફંગોળાઈ હતી, જેને કારણે રાત્રિની નીરવ શાંતિનું વાતાવરણ એકાએક ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યું હતું. સુરતમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે બધા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હતા. અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળે છે કે, મધ્યપ્રદેશનો પરિવાર છેલ્લા એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરતો હતો અને રાત્રે કામરેજ જઇ રહ્યો હતો. એ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ ઇકો કાર ખડસુપા પાસે પહોંચી ત્યારે ટેક્નિકલ ખામી સર્જાતાં કાર બંધ પડી હતી. પરિવારના સભ્યો ભરનિદ્રામાં હતા એ સમયે બેફામ આવતી ટ્રકે કારને ટક્કર મારી હતી, જેમાં પરિવારના બે સભ્યોનાં મોત નિપજ્યા હતા.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા એક શ્રમિકે જણાવ્યું હતું કે,  એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરી રહ્યા હતા. ઇજાગ્રસ્ત તમામ પરિવારના સભ્યો છે. કારમાં 10 મોટા અને 2 બાળકો હતાં. નવસારીથી રાત્રે ઇકો કારમાં બેસી કામરેજ આવવા નીકળ્યા હતા. ખડસુપા પાસે બેવાર કાર બંધ પડી ગઈ હતી. ડ્રાઇવર નીચે ઊતરી કોઈને ફોન કરી રહ્યો હતો. તમામ સભ્યો ઊંઘતા હતા. ત્યારે અચાનક જોરદાર અવાજ આવ્યો ને કાર હવામાં ફંગોળાઈ હોય એવો અહેસાસ થયો હતો. તમામની ચિચિયારી પડી ગઈ હતી. બધા જ લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડેલા હતા. એમ્બ્યુલન્સ આવીને તમામને સારવાર માટે નજીકના દવાખાને લઈ ગઈ હતી. મારા કાકાની દીકરી સીજી અને સંબંધી પ્રકાશનાં આ દુર્ઘટનામાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.