રાજકોટઃ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં કેટલાક નબીરાઓ રાત્રે હાઈવે પર બાઈક રેસ કરતા પણ જોવા મળી રહ્યા છે. એમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવતા હોય છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટ-જામનગર હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી. એમાં ટ્રિપલ સવારી એક્સેસ સ્કુટર ટર્ન લેવા જતાં પડધરી સર્કલ પાસે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું, આથી એક્સેસ પર સવાર ત્રણેય યુવક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. એમાં બે યુવક ઘટનાસ્થળે જ દમ તોડી દેતાં તેમનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના જામનગર રોડ પર પડધરી નજીક મોવિયા સર્કલ ખાતે મોડીરાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં વિશાલ અને પિન્ટુ નામના બે યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા, જ્યારે ભરત નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનો અને તેની સાથેના મિત્રોએ બાઈક પર સવાર થઇને બાઈક રેસ કરી હતી, જેમાં બાઈકસવારો જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. પોલીસની તપાસમાં બનાવ રાત્રિના 12 વાગ્યા આસપાસ બન્યો હતો. મૃતક બે યુવકોમાં વિશાલ મનોજભાઇ જાદવ (શેખર) અને પિન્ટુ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત યુવકનું નામ કરણ ભરત મકવાણા હોવાનું સામે આવ્યું હતું. આ યુવકોની બાઈક રેસથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. પૂરપાટ ઝડપે બાઈકસવારો કાર સહિત મોટાં વાહનોને ઓવર ટેક કરતાં નજરે પડ્યા હતા. આ રેસથી અન્ય બાઈકસવારોએ તો રીતસર સાઈડમાં પોતાની ગાડી ઊભી રાખી તેમને આગળ જવા દીધા હતા. હાઈવે પર પુલનું કામ ચાલુ હોવા છતાં ડાઇવર્ઝન કાઢેલા રોડ પર જોખમી રીતે ટર્ન મારી યુવાનો આગળ વધી રહ્યા હતા. અને અકસ્માત સર્જાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે. કે,ચાર મહિના પહેલાં રાજકોટ-મોરબી હાઇવે પર રાત્રિના 11થી 11.30 વાગ્યાની આસપાસ રોમિયો સ્ટંટ કરતાં કરતાં રેસ લગાવતા હોય એવા વીડિયો સામે આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો એક જાગ્રત નાગરિક દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો હતો. જોકે રાત્રિના સમયે હાઇવે પર આવા સ્ટંટ અને બાઈક રેસ કરતા રોમિયો સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ એ મોટો સવાલ છે.