Site icon Revoi.in

સુરતમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જતાં બેના મોત,

Social Share

સુરત : શહેરના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાછળ જરીવાલા કમ્પાઉન્ડ પાસે એક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં 5 લોકો કાટમાળ નીચે દબાયા હતા. 2 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા છે. તો 3 લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે, આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે.

સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં આવેલા જરીવાલા કમ્પાઉન્ડ નજીક એક બિલ્ડીંગની ઉપર સ્લેબ લેવાની કામગીરી ચાલુ હતી, તે સમયે સ્લેબ ધારાશયી થયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને તાત્કાલિક સ્લેબને હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની રેસ્ક્યૂ કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, કાટમાળમાં કેટલા લોકો ફસાયા છે તેની હજી જાણ નથી. સ્લેબ તૂટી પડતા નીચે પાર્ક કરાયેલી ગાડીઓનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. લગભગ 40 થી વધુ બાઈક બિલ્ડીંગ નીચે પાર્ક કરાઈ હતી. જે કાટમાળ નીચે આખેઆખી દબાઈ ગઈ છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા,  બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવાની કામગીરી ચાલી રહી છે.

શહેરના કતારગામ વિસ્તારમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો હોવાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક કોર્પોરેટ આ ઘટના વિશે માહિતી આપતા કહ્યુ કે, આ ઈમારત જર્જરિત હતી. બિલ્ડીંગ જૂની હોવાથી તેના રિનોવેશનનું કામ ચાલતુ હતું. બીજા માળની દિવાલ પાડવાનું કામ ચાલતુ હતું. આ બિલ્ડીંગની નીચે અનેક દુકાનો આવેલી છે. ચાની કીટલી હતી, તથા અન્ય દુકાનો પણ હતી. જેમના પર સ્લેબ તૂટી પડ્યો હતો. કાટમાળ નીચે પાંચથી છ જણા દટાયા હતા. જેમને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. હાલ સ્લેબને હટાવવા જેસીબી મશીનની મદદ લેવાઈ છે. જેસીબી મશીનથી દિવાલનો કાટમાળ હટાવીને દબાયેલા માણસોને શોધવામાં આવી રહ્યાં છે.