- પુલની દીવાલ સાથે અથડાયા બાદ કારએ પલટી ખાતાં આગ લાગી,
- ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ બુઝાવી,
- લીલીયા પાસે બાઈક સ્લીપ થતાં શિક્ષિકાનું મોત
અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલાના હાથસણી રોડ પર કાર પુલની દીવાલ સાથે અથડાયા બાદ પલટી જતાં કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતા કારમાં સવાર બે યુવાનોના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બન્ને યુવાનોને કારમાંથી બહાર કાઢીને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સાવરકૂંડલાના હાથસણી રોડ પર આવેલા ગુજરાત ગેસ ગોડાઉન પાસે અકસ્માતે કાર પુલની પાળી સાથે અથડાતા કાર પલ્ટી મારી હતી. કાર પલટી ખાધા પછી અચાનક તેમાં આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર બે લોકોના મોત થયા હતા. સ્થાનિકોએ અકસ્માતની જાણ પોલીસ અને ફાયરવિભાગને કરી હતી. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ દુર્ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.પરંતુ યુવાનોના જીવ બચાવી શક્યા ન હતા. મૃતક બન્ને યુવાનો કૌટુંબિક ભાઈ હતા.
અમરેલી જિલ્લામાં અકસ્માતનો બીજો બનાવ લીલીયાના ક્રાંકચ ગામ નજીક સર્જાયો હતો. લીલીયા અને ક્રાંકચ વચ્ચે રોડ પર બાઇક સ્લિપ થઈને પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી જેમાં શિક્ષક દંપતી પટકાયા હતા. ઘટના સ્થળે શિક્ષિકા પત્નીનું મોત થયું હતું જ્યારે શિક્ષક પતિને ગંભીર ઇજા થતાં તેમણે સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શિક્ષક દંપતી ક્રાંકચથી લીલિયા જઈ રહ્યા હતા. વરસાદના કારણે રોડ પર પાણી ભરેલા ખાડામાં બાઇક સ્લિપ થઈ જતાં બાઇક પર સવાર શિક્ષિકા પત્નીનું મૃત્યુ થયું હતું. ઇજાગ્રસ્ત શિક્ષક પતિને સ્થાનિકોએ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. શિક્ષક પતિને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.