અમદાવાદઃ ગુજરાતમાં રોબબરોજ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. મંગળવારે અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો.એસટી બસ અને કાર વચ્ચેની ટક્કરમાં બે જણાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો 10 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા જ એકસાથે પાંચ એમ્બ્યુલન્સ દોડતી થઈ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર મંગળવારે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. સ્વિફ્ટ કારનો ચાલક અમદાવાદથી વડોદરા તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાયા બાદ કૂદીને સામેની બાજુ રોંગ સાઈડમાં જતી રહી હતી દરમિયાન સામે આવી રહેલી એસટી બસ સાથે કાર અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના કારણે એસટી બસનો ચાલક બસને સાઈડમાં લેવા જતા અન્ય એક અર્ટિંગા કાર સાથે અથડાતા તે પણ રસ્તાની બાજુ પર ઉતરી ગઈ હતી. આ બનાવમાં સ્વિફ્ટ કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અર્ટિંગા કારના ચાલક દ્વારા આ મામલે સ્વફ્ટિ કારના ચાલક સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ અકસ્માતગ્રસ્ત કારમાંથી MLA GUJARAT લખેલી પ્લેટ પણ મળી આવી હતી.
એસ.ટી બસના ચાલકે જણાવ્યું હતું કે, એસ ટી બસ વડોદરાથી ગાંધીનગર સચિવાલય જતી હતી. નડિયાદ પાસે અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. હું મારી સાઈડમાં એસટી હંકારતો હતો. આ દરમિયાન ડિવાઈડર જંપ કરીને આવેલી કાર મારી બસના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આથી મારી બસ અનકન્ટ્રોલ થઈ જતાં બસ સીધી ખાલી સાઈડની રેલિંગ તોડી ખાડામાં ઊતરી ગઈ હતી. આ અકસ્માતમાં મારી ભૂલ નથી. એસટીના ચાલક સહિત ગંભીર રીતે ઘવાયેલા 3 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એસટીમાં સવાર 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવની જાણ થતાં જ નડિયાદ, આણંદ, ઉત્તરસંડાની પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.