Site icon Revoi.in

અમદાવાદ-રાજકોટ હાઈવે પર જનશાળી પાટિયા નજીક બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

Social Share

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં લીંમડીના જનશાળી પાટિયા નજીક લકઝરી બસ અનેડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. આ અકસ્માતમાં 20થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અન્ય અકસ્માતના બનાવમાં લીંબડી મોડલ સ્કૂલ નજીક અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત હાઈવે પર પાણશીણા ગામના પાટિયા પાસે એક કારમાં એકાએક આગ ફાટી નિકળી હતી, જો કે કારમાં બેઠેલા પ્રવાસીઓ બહાર નિકળી જતાં તમામનો બચાવ થયો હતો.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંમડી નજીક જનશાળી પાટિયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા અને 20થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે દોડી ગયાં હતાં. ઘટનાની જાણ કરતાં લીંમડી પોલીસ અને પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો અને હાઈવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી.

અકસ્માતના બીજા બનાવની વિગતો એવી છે કે,  લીંબડી-રાજકોટ હાઈવે પર પણ વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડી મોડલ સ્કૂલ નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચેના અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું, આ અકસ્માતના બનાવની જાણ થતાં જ  લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી બે કલાકની મહેનત કરી મૃતદેહ બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત અમદાવાદ-રાજકોટ હાઇવે પર પાણશીણા ગામના પાટિયા નજીક કારમાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. લીંબડીના પાણશીણા ગામના પાટિયા પાસે પહોંચતા કારમાં આગ લાગતા કારમા સવાર તમામ 4થી 5 લોકોનો આબાદ બચાવ થતા મોટી જાનહાની ટળી જવા પામી હતી.

જેમાં આસપાસના લોકોએ આ અંગે ફાયર ફાયટર ટીમને જાણ કરતા ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ ઘટનામાં આગને કારણે કાર સંપૂર્ણ બળીને ખાક થઇ ગઈ હતી.