અમદાવાદઃ દિલ્હીમાં વરસાદને લીધે એરપોર્ટના ટર્મિનલ-1ની દીવાલ તૂટી પડતા કેટલાક લોકો ઘાયલ થયા હતા. તેમજ રનવે પર પાણી પણ ભરાયા હતા. જેના લીધે દિલ્હીથી અમદાવાદ આવતી અને જતી બે ફ્લાઈટ રદ કરવી પડી હતી, જેથી અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ દિલ્હી જનારા પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. અમદાવાદથી સવારે 11.20 વાગ્યે ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હી જતી ફ્લાઈટ એકાએક રદ કરવામાં આવી હતી. પ્રવાસીઓ બે કલાક પહેલા જ એરપોર્ટ પર આવી ગયા હતા. અને દોઢ કલાકની પ્રતિક્ષા બાદ ફ્લાઈટ રદ કરાયાની જાણ કરવામાં આવી હતી.
દિલ્હીમાં આજે વહેલી સવારે જોરદાર વરસાદ પડતા એરપોર્ટ પર ટર્મિનલ-1ની દીવાલ તૂટી પડી હતી, જેમાં કેટલાક લોકોને ઈજાઓ થઈ હતી. ભારે વરસાદ હવામાન પ્રતિકૂળ બનતા હવાઈ સેવાને અસર થઈ હતી. દિલ્હીથી આવતી એક ફ્લાઈટ અને અમદાવાદથી દિલ્હી જતી એક ફ્લાઈટ એમ બે ફ્લાઈટ રદ કરવી પડી છે. જ્યારે દિલ્હીથી આવતી અન્ય એક ફ્લાઈટ અઢી કલાક મોડી પડી હતી. આથી એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યા હતા.
એકપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીના એરપોર્ટના ટર્મિનલ-1 પર ભારે સવારે વરસાદને કારણે દીવાલ ધસી પડતા વિમાની સેવાને અસર થઈ હતી. આજે સવારે 7:35 વાગ્યે દિલ્હીથી અમદાવાદ આવનારી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ અઢી કલાક મોડી પડી સવારે 10 વાગ્યા પછી અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જેને કારણે 180 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ પર અટવાયા હતા. તેમજ સવારે 9.10 વાગ્યે દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરીને 10.40 વાગ્યે અમદાવાદના એરપોર્ટ પર આવનારી ફ્લાઈટ રદ થઈ હતી. જેને કારણે ઇંડિગો એરલાઇન્સના મુસાફરો રઝળી પડ્યા હતા.
દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલી દુર્ઘટનાને કારણે દિલ્હીથી વિવિધ શહેરોમાં જતા મુસાફરો જ નહીં પરંતુ અન્ય શહેરોના મુસાફરો પણ પરેશાન થયા છે. અમદાવાદથી સવારે 11.20 વાગ્યે ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હી જતી ફ્લાઈટ એકાએક રદ થતા મુસાફરોને હાલાકીનો સામનો વેઠવો પડશે. 11:00 વાગ્યાની ફ્લાઈટ હોય જેને કારણે 9:00 વાગ્યાથી જ મુસાફરો એરપોર્ટ પહોંચી જતા હોય છે. તમામ તૈયારી સાથે નીકળેલા પેસેન્જરો રઝળી પડ્યા હતા દિલ્હી એરપોર્ટ ઉપર અનેક કનેક્ટિંગ ફ્લાઈટ પણ પહોંચતી હોય છે. ત્યારે અમદાવાદથી દિલ્હી જતા કનેક્ટિંગ ફ્લાઈટવાળા મુસાફરો દુર્ઘટનાથી તેમના સફરની આગળની ફ્લાઈટ પકડી શક્યા નહતા. (File photo)