અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો ચે, ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં પ્રભારીની જગ્યા ખાલી છે. તેમજ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા બન્નેએ રાજીનામાં આપ્યાને મહિનાઓ થઈ ગયા છતાં આ મહત્વના પદ પર નિમણૂંકો કરી નથી. બીજીબાજુ સંકટ સમયે કોંગ્રેસ છોડીને રાજ્યસભાની ચૂંટણી ટાણે ભાજપને સાથ આપનારા દિગ્ગજ નેતા શંકરસિહ વાઘેલા ફરી કોંગ્રેસમાં આવવા મથી રહ્યા છે. કહેવાય છે. કે, બાપુને કેટલીક શરતોને આધીન કોંગ્રેસમાં પાછા ફરવું હોવાથી મામલો અટવાઈ ગયો છે. શંકરસિંહને પાછા લેવા માટે ભરતસિંહ જૂથ મેહનત કરી રહ્યું છે પણ બીજા કેટલાક જૂથ વિરોધ કરી રહ્યા છે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ હાઈ કમાન્ડને બાપુની કોંગ્રેસમાં રી-એન્ટ્રી માટે રાજી કરવાના પ્રયાસો શરુ કર્યા છે અને બાપુ પણ પોતે કોંગ્રેસમાં પાછા ફરી શકે છે. પણ કોંગ્રેસમાં પરત ફરવાની સાથે બાપુએ સંગઠન તથા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટોથી લઈ અનેક બાબતોએ કેટલીક શરતો મૂકી છે. પણ કોંગ્રેસ હાઈકમાન્ડ બાપુની તમામ શરતોને માનવા તૈયાર નથી અને આ બાજુ બાપુ પોતે પણ પોતાના વલણ પર મક્કમ હોવાનું મનાય છે. આ દરમિયાનમાં ભરતસિંહ સોલંકી બાપુ અને હાઈ કમાન્ડને રાજી કરવા માટે ભરચક પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી બાજુ નરેશ રાવલ સહિતના કેટલાક સિનિયર નેતાઓ બાપુને કોંગ્રેસમાં એન્ટ્રી આપવા સામે હાઇકમાન્ડ સુધી વિરોધ વ્યકત કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસને એક્ટિવ કરવા માટે કોંગ્રેસ હાઈ કમાન્ડને બાપુની કેટલીક શરતો માનવા અને બાપુને કેટલીક શરતો છોડવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામ મૂકીને બાપુને કોંગ્રેસમાં લાવવા પ્રયત્નો કરી રહ્યા છે, ભરતસિંહ સોલંકી જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે બાપુ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા રહી ચૂક્યા છે. ભરતસિંહના પ્રયાસો અને બાપુની શરતો વચ્ચે હાઈ કમાન્ડ કેવો રસ્તો કાઢે તેની પર ગુજરાત કોંગ્રેસના નેતાઓ નજર રાખી રહ્યા છે.