વડોદરા: વડોદરા સાવલીના મંજૂસર ગામમાં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથો બાખડી પડતા અને પથ્થરમારો થતાં વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ હતી. આ ઘટનાને પગલે મંજુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મંજૂસર અને સાવલી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. મંજુસર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સામસામે પત્થરમારાની ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસર્જન યાત્રામાં સામેલ લોકોને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોની સારવાર શરૂ કરાઇ છે. મંજુસર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસે તોફાનીઓને પકડવા માટે રાત્રે કોમ્બીંગ શરૂ કર્યું હતુ.
ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મંજૂસર ગામમાં આવેલા વાઘેલા ફળિયામાં બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમાના બનાવને લઇ હાલમાં ગામમાં અજંપા ભરી પરિસ્થિતિ સર્જાય છે. સમગ્ર ગામ હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ સાથે જ પથ્થરમારો કરનાર ઇસમોને ઝડપી પાડવા માટે મંજૂસર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. પથ્થરમારાની ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
કેતન ઇમાનદારે ઘટનાના પગલે કહ્યું કે શાંતિ ડહોળનાર કોઈ તત્વોને છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે. જવાબદારો સામે દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરાશે.