1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં MS યુનિ.ના કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જુથ બાખડી પડ્યાં, છૂટા હાથની મારામારી
વડોદરામાં MS યુનિ.ના કેમ્પસમાં વિદ્યાર્થીઓના  બે જુથ બાખડી પડ્યાં, છૂટા હાથની મારામારી

વડોદરામાં MS યુનિ.ના કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જુથ બાખડી પડ્યાં, છૂટા હાથની મારામારી

0
Social Share

વડોદરાઃ  મહારાજા સયાજીરાવ (એમએસ) યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના જુથ વચ્ચે અવાર-નવાર માથાકૂટ થતી હોય છે. ત્યારે તાજેતરમાં નજીવી વાતે વિદ્યાર્થી સંગઠનના બે જુથ બાખડી પડ્યા હતા. અને કોમર્સ ફેકલ્ટી સમરાંગણમાં ફેરવાઇ હતી. વોટ્સએપ ગ્રૂપમાંથી રિમૂવ કરવા બાબતે બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે છુટ્ટા હાથની અને લાકડીઓથી મારામારી થઇ હતી. કોમર્સ ફેકલ્ટી ખાતે થયેલી આ મારામારીના પગલે કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ  વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી આવી રહી છે. જેના પગલે યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીની સત્તા કબજે કરવા માટે વિવિધ વોટ્સએપ ગ્રૂપો બનાવીને પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ઉપરાંત વિદ્યાર્થી સંગઠનો ફેકલ્ટીઓમાં જઇને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જોકે, આગામી દિવસોમાં ચૂંટણી યોજવી કે નહિં, ક્યારે યોજવી, કેવી રીતે કરવી તે તમામ બાબતોનો નિર્ણય લેવા માટે આગામી બે દિવસમાં સિન્ડિકેટની બેઠક મળશે, જ્યારે હજુ ચૂંટણી યોજવી કે નહિં તે અંગેનો નિર્ણય લેવાયો નથી, તે પહેલાં ચૂંટણીએ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓ વચ્ચે જે માથાકૂટ થઈ હતી તેની પાછળનું એવું કારણ જાણવા મળ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં યોજાનારી વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી જીતવા માટે AGSG ગ્રુપ દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપમાંથી આતિફ મલિક તથા અન્ય એક યુવાનને ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવતા AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ અને ગ્રૂપમાંથી દૂર કરવામાં આવેલા આતિફ મલિકના ગ્રૂપ વચ્ચે કોમર્સ ફેકલ્ટી ખાતે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. આ મારામારીમાં AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ દ્વારા આતીફ મલિકને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ લાકડીઓ સાથે ધસી આવતા આતિફ મલિક કેમ્પસ છોડી ફરાર થઇ ગયો હતો. આ બનાવને પગલે યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ પણ દોડી આવી હતી. આ ટીમે મારામારી સમયે ટોળે વળેલા લોકોને વિખેરવા માટે લાકડીઓ ઉગામતા કેમ્પસમાં દોડધામ મચી ગઇ હતી. વિદ્યાલય સંકુલ સમરાંગણમાં ફેરવાઇ ગયું હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિની કેમ્પસમાં થયેલી મારામારી અંગે વિદ્યાર્થી આગેવાન હર્ષિલ રબારી તેમજ હરીફ પક્ષના વિદ્યાર્થી અગ્રણીએ સામસામે આક્ષેપો કર્યા હતા. કેમ્પસમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. તે સાથે મામલો સયાજીગંજ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. બંને વિદ્યાર્થી સંગઠનો સામસામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચી ગયાં હતાં. પોલીસે પણ બંને સંગઠનોની વિગતો સાંભળી ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code