મુંબઈઃ ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. તેમજ હવે ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાશે, જેને લઈને બંને ટીમોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન ઈંગ્લેન્ડે ભારત સામેની ચોથી ટેસ્ટ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી હતી. ટીમ મેનેજમેન્ટે રાંચીની પિચને ધ્યાનમાં રાખીને ટીમમાં બે ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર માર્ક વુડ અને લેગ સ્પિનર રેહાન અહેમદને પડતો મૂકવામાં આવ્યો છે. તેમની જગ્યાએ ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન અને સ્પિનર શોએબ બશીરે ટીમમાં પ્રવેશ કર્યો છે. શુક્રવારથી ચોથી ટેસ્ટ શરૂ થશે.
ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11માં જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન અને શોએબ બશીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 41 વર્ષીય જેમ્સ એન્ડરસન સતત ત્રીજી ટેસ્ટ રમતા જોવા મળશે. અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડે ત્રણ ઝડપી બોલરોને અજમાવ્યા છે અને તેમાંથી એન્ડરસન સૌથી સફળ રહ્યો છે. તેના નામે છ વિકેટ છે, જ્યારે વુડ માત્ર ચાર જ વિકેટ લઈ શક્યો છે.
આ શ્રેણીમાં રોબિન્સનની આ પ્રથમ મેચ હશે. તે જ સમયે, રેહાનનું પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું નથી. તે ત્રણ ટેસ્ટમાં 11 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. બશીરને માત્ર એક જ ટેસ્ટ રમવાની તક મળી છે. તેણે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટમાં ચાર વિકેટ ઝડપી હતી. ત્રીજી ટેસ્ટમાં તેના સ્થાને વુડને સામેલ કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડને આશા હશે કે બશીરના સ્પિનનો જાદુ રાંચીમાં કામ કરશે.