અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બે બનાવો બન્યા હતા. જેમાં એસજી હાઈવે પર પુરફાટ ઝડપે બાઈક લીંબડીના ઝાડ સાથે અથડાતા આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતનો બીજો બનાવ વટવામાં બન્યો હતો. જેમાં એક સિનિયર સિટિઝન એએમટીએસ બસના દરવાજા પાસે ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બસના ડ્રાઈવરે અકાએક બ્રેક મારતા સિનિયર સિટિજન બસમાંથી રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના આ બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી જાણવા મળી છે. કે, સોલાના સુદર્શન સ્ટેટસમાં રહેતા 58 વર્ષીય ઈન્દ્રવદન વ્યાસ સોલા ભાગવત ડી.એમ વિદ્યાલયમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. સાંજના સમયે ઈન્દ્રવદન વ્યાસ ટુ વ્હીલર ચલાવીને એસજી હાઈવેથી ઘર તરફ જઈ રહ્યા હતા. સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટુ વ્હીલર માય ડ્રીમ સોસાયટીની સામે આવેલા રોડની બાજુમાં આવેલા લીમડાના ઝાડ સાથે અથડાયું હતું. જેથી ઈન્દ્રવદનભાઈ જમીન પર પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે ઈન્દ્રવદનભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જ્યારે બીજા અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, વટવાના દેવ આશિષ ડીવાઈનમાં રહેતા 64 વર્ષીય દિનેશભાઈ રસાણીયા વટવા ગોલ્ડન સિનેમા પાસે દુકાન ધરાવી દરજી કામ કરે છે. ગત 3 તારીખે સવારના સમયે દિનેશભાઈ AMTS બસમાં દુકાને જઈ રહ્યા હતા. બસમાં જગ્યા ન હોવાથી તેઓ બસના દરવાજા પાસે ઉભા હતા. આ દરમિયાન વટવા દેવીમાતાના મંદિર પાસે બસના ચાલકે અચાનક બ્રેક મારી હોતી. જેના કારણે દિનેશભાઈ બસમાંથી રસ્તા પર પટકાઈ પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને માથામાં હેમરેજ હોવાનું જણાવ્યુ હતુ. આ મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.