7/12ના ઉતારામાં નામ ચડાવવા માટે 15000ની લાંચ લેતા નાયબ મામલતદાર સહિત બે પકડાયાં
અમદાવાદઃ ગુજરાતમાં લાંચ રૂશ્વતના બનાવો વધતા જાય છે. સૌથી વધુ રેવન્યુ અને પોલીસ વિભાગમાં લાંચ કેસ વધુ પકડાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના સોલા વિસ્તારની ચાવડીમાં નાયબ મામલતદાર નિર્મળસિંહ ડાભી, અને આઉટ સાર્સિંગ કર્મચારી યોગેશ પટેલ રૂપિયા 15000ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા.
એસીબીના સૂત્રાના જણાવ્યા મુજબ અમદાવાદના સોલાના નાયબ મામલતદાર 15 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો છે. નાયબ મામલતદારે 7/12ના ઉતારામાં નામ ચડાવવા માટે 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ નાયબ મામલતદાર વતી આઉટસોર્સિંગનો કર્મચારી લાંચ લેતા ACBએ ઓફિસ બહાર ગેટ પર જ ઝડપી લીધો છે. આ બનાવથી મામલતદાર કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ કેસની વિગત એવી છે. કે, ફરિયાદીની માતાનું નામ 7/12ના ઉતારામાં ચડાવવા માટે ફરિયાદીએ અરજી કરી હતી. આ અંગે સોલા ચાવડીના નાયબ મામલતદાર નિર્મલસિંહ ડાભી તપાસ કરી રહ્યા હતા. અને 7/12 ના ઉતારામાં વિલંબ થતાં ફરિયાદીએ સોલા ચાવડીમાં નાયબ મામલતદારનો સંપર્ક કર્યો હતો. દરમિયાન નાયબ મામલતદારે કાચી નોંધ તૈયાર થયા બાદ એને પ્રમાણિત કરવા ફરિયાદી પાસે 15 હજારની લાંચ માગી હતી. ફરિયાદીને લાંચ આપવી ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. સોલામાં આવેલી ચાવડીના ગેટ બહાર જ નિર્મલસિંહ ડાભીના કહેવાથી આઉટસોર્સિંગમાં કામ કરતો યોગેશ પટેલે ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના 15000 રૂપિયા લીધા હતા, જેથી એસીબીએ બંને આરોપીઓને સ્થળ પરથી જ લાંચ લેતાં ઝડપી લીધા હતા.