નવી દિલ્હીઃ હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ ટાઈટલ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. અત્યાર સુધી આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. આ મેચમાં અત્યાર સુધી માત્ર 6 છગ્ગા જ માર્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સના નામે છે, જેણે અત્યાર સુધીમાં કુલ 59 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત 39 છગ્ગા સાથે બીજા સ્થાને છે. આ સાથે જ ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા કુલ 37 છગ્ગા સાથે ત્રીજા સ્થાન પર છે.
ભારતનો મયંક અગ્રવાલ WTCમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ચોથા ક્રમે છે, જેણે કુલ 23 છગ્ગા ફટકાર્યા છે. આ ઉપરાંત ડેરીલ મિશેલ મયંકથી માત્ર એક છગ્ગાથી પાછળ છે. ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને અત્યાર સુધીમાં કુલ 22 સિક્સર ફટકારી છે. જોની બેયરસ્ટો એટલી જ છગ્ગા સાથે છઠ્ઠા સ્થાને છે. તેણે કુલ 22 સિક્સર ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝના અલઝારી જોસેફ આ યાદીમાં 19 છગ્ગા સાથે સાતમા ક્રમે છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા 17 છગ્ગા સાથે ક્રમશઃ આઠમા અને નવમા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ટ્રેવિસ હેડ 16 છગ્ગા સાથે 10મા સ્થાને છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટની પ્રથમ ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. હાલ બીજી ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આમ સતત બે વર્ષથી ફાઈલમાં ભારતે પ્રવેશ કર્યો છે.