- કિશ્તવાડમાં આતંકવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ
- ભારતીય જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્વે શરૂ કર્યો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા જવાનોએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન કિશ્તવાડમાં આતંકવાદીઓએ સાથે થયેલી અથડામણમાં બે જવાનો શહીદ થયાં હતા. ભારતીય સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને આતંકવાદીના ખાતમા માટે ઓપરેશન શરૂ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના છત્રુ વિસ્તારમાં આતંકીઓ સાથે થયેલ અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થયા હતા. ગંભીર રૂપથી ઘાયલ અન્ય બે જવાનોને Air Lift કરી ઉધમપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. છત્રુ વિસ્તારના ઉપરના ભાગમાં આવેલ જંગલોમાં આતંકીઓ હોવાની બાતમી મળતા સુરક્ષા જવાનોએ સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. સુરક્ષા જવાનોથી ડરી આતંકીઓએ ગોળીબાર શરુ કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષાદળના જવાનોએ મોરચો સંભાળ્યો હતો. તો, બીજી તરફ બારામુલ્લામાં પણ આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે.