મહારાષ્ટ્રઃ શ્વાનના 80થી વધારે ગલુડિયાઓની હત્યા કરનારા બે કપિરાજ પાંજરે પુરાયા !
મુંબઈઃ મહારાષ્ટ્રના બીડમાંધથી બે કપિરાજોને વનવિભાગે ઝડપી લીધા હતા. આ બંને કપિરાજે શ્વાનના 80 જેટલા બચ્ચાઓને મારી નાખ્યા હોવાનું જાણવા મળે છે. શ્વાનના ઝુંડએ થોડા સમય પહેલા વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું. જેથી કપિરાજોએ એક-બે નહીં પરંતુ 80 જેટલા ગલુડિયાઓને મારી નાખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના બીડમાં શ્વાનના 80 જેટલા ગલુડિયાઓને મારનાર બે વાંદરાઓ ઝડપાઈ ગયા છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કપીરાજોએ ત્રણ મહિનામાં લગભગ 80 ગલુડિયાઓને ઊંચાઈથી ફેંકીને મારી નાખ્યા હતા. આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે થોડા સમય પહેલા શ્વાનના ઝુંડએ વાંદરાના બાળકને મારી નાખ્યું હતું. આ પછી બદલો લેવા માટે બે વાંદરાઓએ શ્વાનના 80 ગલુડિયાઓને મારી નાખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
બીડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ઘણા ગલુડિયાઓની હત્યામાં સામેલ 2 વાંદરાઓને પકડ્યા છે. બંને વાંદરાઓને નાગપુર પાસેના જંગલમાં છોડી મુકવામાં આવ્યા હતા. બીડ જિલ્લાના માજલગાંવમાં ત્રણ મહિનાથી વાંદરાઓએ આતંક મચાવ્યો હતો. ગામના લોકોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી.
વાંદરાઓનો આતંક માજલગાંવથી આસપાસના અન્ય ગામોમાં પણ ફેલાઈ ગયો હતો. માજલગાંવથી 10 કિમી દૂર આવેલા લવૂલ ગામના લોકોએ જણાવ્યું કે ગામમાં હવે કોઈ ગલુડિયાનું બચ્ચું જોવા નહીં મળે. વનવિભાગે અગાઉ પણ વાંદરાઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પછી તેઓ સફળ થયા ન હતા.
એક ગામવાસીએ કહ્યું- વાંદરાઓ ગામમાં આવતા હતા અને ગલુડિયાઓને શોધતા હતા. જો તેઓને કોઈ ગલુડિયુ મળે, તો તેઓ તેને ઝાડ અથવા મકાન પર લઈ જતા અને તેને નીચે ફેંકી દેતા હતા. જ્યારે ગામના કેટલાક લોકોએ ગલુડિયાઓને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વાંદરાઓએ તેમના પર પણ હુમલો કર્યો હતો. જેના કારણે અનેક સામાન્ય લોકો પણ ઘાયલ થયા છે. વાંદરાઓના કારણે શાળાએ જતા બાળકો પણ ભયભીત થઈ ગયા હતા.