Site icon Revoi.in

પાટડીના માલવણ હાઈવે પર ટ્રક – ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત, 15ને ઈજા

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડીના માલવણ હાઈવે પર અખિયાણા ગામ નજીક મજૂરો ભરીને ખેતરે જઈ રહેલા ટ્રેક્ટર સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ઉપર આખેઆખી ટ્રક ચડી જતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. જ્યારે ટ્રેક્ટરમાં સવાર 15 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. એક મજૂર અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતાં મજૂરોની ચિચિયારીથી હાઇવે ગુંજી ઊઠ્યો હતો.

સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, પાટડી તાલુકાના માલવણ હાઇવે પર અખિયાણા ગામ નજીક મજૂરો ટ્રેકટર લઈને મજૂરીકામ અર્થે ખેતરે જઈ રહ્યા હતા, એ સમયે સામેથી માંતેલા સાંઢની માફક પૂરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રકનો ટ્રેકટર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, 15થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. ટ્રક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતને પગલે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે રક્તરંજિત બન્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાટડીના માલવણ હાઇવે પર અખિયાણા ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બજાણા પીએસઆઇ ડી.જે. ઝાલા અને ગોવિંદભાઇ ભરવાડ સહિતનો બજાણા પોલીસ સ્ટાફ સહિતનો કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક પુન:કાર્યરત કરવામાં આવ્યો હતો. બજાણા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. બજાણા પોલીસ અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.જે.ઝાલા ચલાવી રહ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર એક મજૂર અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.